હું મૅન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબ ખરીદી રહ્યો છું એ તો મેં મજાકમાં કહેલું : ઇલોન મસ્ક

18 August, 2022 12:39 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિશ્વના રિચેસ્ટ બિઝનેસમૅને ટ‍્વિટર પર ખુલાસામાં લખ્યું, ‘હું કોઈ જ સ્પોર્ટ‍્સ ટીમ નથી ખરીદી રહ્યો’

ઈલોન મસ્ક

ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)નાં સૌથી વધુ ૧૩ ટાઇટલ જીતી ચૂકેલી મૅન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની ટીમ આ સ્પર્ધાની નવી સીઝનમાં પહેલી બન્ને મૅચ હારી જતાં અને એના સુપરસ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કૉન્ટ્રૅક્ટ પૂરો થતાં પહેલાં જ આ ટીમ છોડી દેવાનો વિચાર કર્યો હોવાની અટકળ વચ્ચે ગઈ કાલે વધુ એક નવાઈ પમાડનારી ઘટના બની હતી.

વિશ્વના સૌથી શ્રીમંત બિઝનેસમૅન અને ટેસ્લા તથા સ્પેસએક્સના સીઇઓ ઇલૉન મસ્કે બ્રિટનની મૅન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબને પોતે ખરીદી રહ્યા હોવાની વાત નકારી કાઢી હતી. ટ‍્વિટર પર કેટલાક યુઝર્સ સાથેના ઇન્ટર-ઍક્શનમાં બિલ્યનેર ઇલૉન મસ્કે પોતે એમયુને ખરીદી રહ્યા હોવાનો ઉલ્લેખ કરતાં જ એ વાત ખૂબ ચગી ગઈ હતી. જોકે તેઓ ખરેખર એમયુ ખરીદવા માગે છે કે મજાક કરી રહ્યા છે એ તાબડતોબ સ્પષ્ટ નહોતું થયું. એક યુઝરે મસ્કને આ બાબત વિશે ભારપૂર્વક પૂછ્યું કે શું તમે ખરેખર એમયુ ક્લબ ખરીદવાના છો? એના જવાબમાં મસ્કે લખ્યું, ‘ના, એ તો ટ‍્વિટર પર ઘણા સમયથી મજાક ચાલી રહી છે. હું કોઈ જ સ્પોર્ટ્સ ટીમ નથી ખરીદી રહ્યો.’

અમેરિકાનું ગ્લેઝર ફૅમિલી બ્રિટનની એમયુ ક્લબની માલિકી ધરાવે છે. તેમણે આ ક્લબ ૨૦૦૫માં ૭૯૦ મિલ્યન પાઉન્ડમાં ખરીદી હતી. ઓલ્ડ ટ્રેફર્ડ ખાતેની આ ક્લબ મૅન યુનાઇટેડ અને યુનાઇટેડ તરીકે પણ જાણીતી છે.

`હું મૅન્ચેસ્ટર યુનાઇટેડ ટીમ વહેલી જ છોડી દઈશ એ વિશે મીડિયામાં જુઠ્ઠાણાં ચલાવવામાં આવી રહ્યાં છે એની હું બરાબર નોંધ રાખું છું. મેં નોટબુક જ બનાવી છે. એમાં મારા આ વિષયને લગતા જે ૧૦૦ ન્યુઝ છે એમાંથી માંડ પાંચ સમાચાર સાચા છે`. : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

sports news sports football english premier league elon musk manchester united twitter cristiano ronaldo