૧૪ વાર ચૅમ્પિયન બનેલી આર્સેનલની એફએ કપમાંથી વહેલી એક્ઝિટ

11 January, 2022 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વની સૌથી જૂની (૧૫૧ વર્ષ જૂની) ઇંગ્લૅન્ડની નૉકઆઉટ ફુટબૉલ સ્પર્ધા એફએ કપ (ફુટબૉલ અસોસિયેશન કપ)માં રવિવારે મોટો અપસેટ થયો હતો.

૧૪ વાર ચૅમ્પિયન બનેલી આર્સેનલની એફએ કપમાંથી વહેલી એક્ઝિટ

વિશ્વની સૌથી જૂની (૧૫૧ વર્ષ જૂની) ઇંગ્લૅન્ડની નૉકઆઉટ ફુટબૉલ સ્પર્ધા એફએ કપ (ફુટબૉલ અસોસિયેશન કપ)માં રવિવારે મોટો અપસેટ થયો હતો. નૉટિંગમ ફૉરેસ્ટ નામની નીચલા સ્તરની ટીમે પૉઇન્ટ્સ-ટેબલમાં ચોથું સ્થાન ધરાવતી આર્સેનલને ૧-૦થી હરાવીને સ્પર્ધાની બહાર કરી દીધી હતી. ૧૪ વખત ચૅમ્પિયન બનેલી આર્સેનલ ક્લબની ટીમ છેલ્લી ૨૬ સીઝનમાં ત્રીજા રાઉન્ડમાં આઉટ થઈ હોય એવું બીજી વખત બન્યું છે.
૨૦૨૦ની ચૅમ્પિયન આર્સેનલની ટીમે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફુટબૉલમાં જાળવેલું ફૉર્મ એફએ કપમાં લાવી ન શકી અને એનું પરિણામ એણે ભોગવવું પડ્યું છે. ૮૩મી મિનિટ સુધી બન્ને ટીમ ૦-૦ની બરાબરી પર હતી, પણ ૮૩મી મિનિટે ફૉરેસ્ટના સબસ્ટિટ્યુટ લુઇસ ગ્રૅબને ગોલ કરીને ફૉરેસ્ટને વિજયના માર્ગ પર લાવી દીધી હતી.
એફએ કપમાં મૅન્ચેસ્ટર સિટી (૫૩ પૉઇન્ટ) અને ચેલ્સી (૪૩) બીજા નંબરે છે.
બીજી ટોચની બે ટીમ બચી ગઈ
એફએ કપમાં આર્સેનલ ત્રીજા રાઉન્ડમાં જ આઉટ થઈ, પણ ટૉટનમ અને ત્રીજા નંબરની લિવરપુલની ટીમ નીચલા વર્ગની ટીમ સામેના અપસેટથી બચી હતી. ટૉટનમની ટીમ ૩૩મી મિનિટે મૉરકેમ્બે ૧-૦થી સરસાઈ લીધી ત્યાર બાદ ૭૪મી મિનિટ સુધી બધાના શ્વાસ અધ્ધર હતા. જોકે ૭૪થી ૮૮મી મિનિટ સુધીમાં ઉપરાઉપરી ત્રણ ગોલ થતાં છેવટે ટૉટનમે ૩-૧થી વિજય મેળવ્યો હતો. એ સાથે સ્પર્સ તરીકે જાણીતી ટૉટનમની ટીમે મૉરકેમ્બને ૧૦૧ વર્ષના એના ઇતિહાસમાં પહેલી વાર આ સ્પર્ધાના ચોથા રાઉન્ડથી વંચિત રાખી હતી.
વિવાદ વચ્ચે લીડ્સ ત્રીજી વાર આઉટ
એફએ કપમાં લીડ્સ ક્લબની ટીમે ૧૨ સીઝનમાં ત્રીજી વાર ત્રીજા રાઉન્ડમાં એક્ઝિટ જોઈ છે. ૩૪મી મિનિટે વેસ્ટ હૅમના લૅન્ઝિનીએ કરેલો ગોલ ઑફસાઇડ બાદ થયો હોવાની ફરિયાદ લીડ્સે કરી હતી, પરંતુ રેફરીએ એ ગોલને કાયદેસર ગણાવ્યો હતો. ૯૩મી મિનિટટે જોરોડ બોવેને બીજો ગોલ કરીને સરસાઈ ૨-૦ની કરી હતી.
દરમ્યાન આ જ સ્પર્ધામાં વલ્વ્ઝે નીચલા લીગની શેફીલ્ડ યુનાઇટેડને ૩-૦થી અને નોર્વિચે ચાર્લટનને ૧-૦થી હરાવી હતી.

અન્ય ફુટબૉલ સ્પર્ધાઓમાં શું બન્યું? : આફ્રિકા કપ શરૂ થઈ ગયો

(૧) ઇટલીની સેરી-એ લીગમાં સાતમા નંબરની રોમા ટીમની પાંચમા ક્રમની યુવેન્ટ્સ સામે ૪-૩થી હાર થઈ હતી. રોમાએ બે વાર ગોલ કરવાની અમૂ્લ્ય તક ગુમાવી 
દીધી હતી.
(૨) ફ્રેન્ચ કપમાં પીએસજીએ મોડેથી કરેલા ગોલથી લાયન સામેની મૅચ ૧-૧થી ડ્રૉ કરી હતી, જ્યારે નીસ ક્લબની ટીમનો બ્રેસ્ટ સામે ૩-૦થી વિજય થયો હતો. પીએસજી આ લીગમાં મોખરે અને નીસ બીજા નંબરે છે.
(૩) આફ્રિકા કપ ઑફ નેશન્સમાં પહેલા દિવસે યજમાન કૅમેરુને બકિના ફાસો દેશની ટીમને ૨-૧થી હરાવી હતી. વિજેતા ટીમના બન્ને ગોલ વિન્સેન્ટ ઍબોઉબાકરે ૪૦ અને ૪૮મી મિનિટની પેનલ્ટીમાં કર્યા હતા. બીજી મૅચમાં કેપ વર્ડી દેશની ટીમે ઇથિયોપિયાને ૧-૦થી હરાવ્યું હતું.
(૪) સ્પૅનિશ લીગમાં (લા લીગા લીગમાં) સવિલાની ટીમે મુખ્ય પ્લેયરોની ગેરહાજરી છતાં ગેટાફી ક્લબની ટીમને ૧-૦થી હરાવી પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાની રિયલ મૅડ્રિડ (૪૯ પૉઇન્ટ) સાથેની સરસાઈ ઘટાડી હતી. સવિલાના ૪૪ પૉઇન્ટ છે. અન્ય એક મૅચમાં ઓસસુનાએ કૅડિઝને ૨-૦થી હરાવી હતી.

sports news football