મૅરડોનાને ચાહકોએ આપી અશ્રુભીની વિદાય

27 November, 2020 03:34 PM IST  |  Buenos Aires | AP

મૅરડોનાને ચાહકોએ આપી અશ્રુભીની વિદાય

ગઈ કાલે કાસા રોસાડા ખાતે ફુટબૉલ-જગતના દિગ્ગજ પ્લેયર ડિએગો મૅરડોનાનાં અંતિમ દર્શન માટે હજારો ચાહકોની જનમેદની ઊમટી આવી હતી. આ જનમેદનીને કાબૂમાં રાખવા માટે પોલીસ તહેનાત કરવામાં આવ્યા હતા. કેટલાક ચાહકોએ પોલીસ પર બૉટલ અને કેટલીક ધાતુઓ ફેંકી હતી.


પરિવાર અને અંગત મિત્રો બાદ ચાહકો માટે સ્થાનિક સમય મુજબ સવારે ૬.૧૫ વાગ્યે મૅરડોનાનાં અંતિમ દર્શન ખુલ્લાં મુકાયાં હતાં. પ્રેસિડેન્ટલ ઑફિસમાં આર્જેન્ટિનાના ધ્વજ અને નંબર-10વાળી નૅશનલ ટીમની જર્સીથી કવર કરવામાં આવેલા મૅરડોના મૃતદેહને કૉફિનમાં રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક ચાહકો દ્વારા અન્ય ફુટબૉલ ટીમનાં શર્ટ અશ્રુભીની આંખે મૃતદેહ પર ઓઢાડવામાં આવ્યાં હતાં. સૌપ્રથમ મૅરડોનાને તેની પુત્રીએ અને ત્યાર બાદ અન્ય પરિવારના સભ્યોએ વિદાય આપી હતી. ત્યાર બાદ ૧૯૮૬ વર્લ્ડ કપ વિજેતા ટીમના સાથીપ્લેયરોએ અને અન્ય આર્જેન્ટિનાના ફુટબોલરોએ આ દિગ્ગજ પ્લેયરને વિદાય આપી હતી.
મૅરડોનાના નિધનના સમાચાર આવ્યાના એક કલાક બાદ જ તેના કાસા રોસાડા નિવાસસ્થાન ખાતે ચાહકોની ભીડ જામવા માંડી હતી. નેહુએલ ડી લિમા નામના એક દિવ્યાંગ ચાહકે સૌથી પહેલાં મૅરડોનાનાં અંતિમ દર્શન કર્યાં હતાં. એક બાજુ ચાહકોની ભીડ વધી જતાં એને કાબૂમાં રાખવા પોલીસે ટિયર ગૅસ છોડવો પડ્યો હતો, તો બીજી બાજુ બૉડીગાર્ડે ચાહકોને ફોટો પાડતા અટકાવ્યા હતા.
મૅરડોનાની અંતિમયાત્રામાં ચાહકો પાછળ-પાછળ ચાલ્યા જતા હતા અને ‘લેટ્સ ગો ડિએગો’નો સૂત્રોચ્ચાર કરતા હતા. કાસા રોસાડા ખાતે મૅરડોનાની ઐતિહાસિક છબિ લગાડવામાં આવી હતી.

શા માટે કહેવાય છે હૅન્ડ ઑફ ગૉડ

મૅરડોનાના જીવનમાં આમ તો ઘણા કિસ્સા છે, પણ ૧૯૮૬ના વર્લ્ડ કપના એક કિસ્સા હૅન્ડ ઑફ ગૉડને લીધે આજે પણ તેને હંમેશાં યાદ કરવામાં આવે છે. વાસ્તવમાં મૅરડોના ૧૯૮૬નો વર્લ્ડ કપ રમી રહ્યો હતો અને ઇંગ્લૅન્ડ સામે ક્વૉર્ટર ફાઇનલ મુકાબલો હતો. એ મૅચમાં તેણે બે ગોલ કર્યા હતા જેમાંથી એક ગોલને હૅન્ડ ઑફ ગૉડ કહેવામાં આવે છે. ઇંગ્લૅન્ડની ટીમનું કહેવું હતું કે બૉલ મૅરડોનાના હાથને અડીને ગયો હતો, પરંતુ રેફરીએ એને ગોલ આપ્યો હતો. ઇંગ્લૅન્ડ મૅચ હારીને ટુર્નામેન્ટની બહાર થઈ ગયું અને આર્જેન્ટિના આગળ વધ્યું.
એ મૅચ પછી આ વિશે ડિએગોએ કહ્યું કે ‘આ ગોલ થોડો મારા માથાથી અને થોડો ભગવાનના હાથથી થયો હતો.’ તેના આ નિવેદન પછી તેને હૅન્ડ ઑફ ગૉડ કહેવામાં આવે છે. આ ગોલને ગોલ ઑફ ધ સેન્ચુરી પણ કહેવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં મૅરડોનાએ કુલ પાંચ ગોલ કર્યા હતા.

મૅરડોનાના નિધન પર ખેલજગત શોકમય

એક દિવસ આકાશમાં કશેક મૅરડોના સાથે ફુટબૉલ રમીશ : પેલે

નવી દિલ્હી : આર્જેન્ટિનાના દિગ્ગજ ફુટબૉલ પ્લેયર ડિએગો મૅરડોનાના નિધન પર વિશ્વઆખાનું ખેલજગત શોકમય બની ગયું છે. દરેક ખેલાડી આ મહાન ફુટબોલરને યાદ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. બ્રાઝિલના મહાન ફુટબોલર પેલેએ પણ પોતાના શ્રદ્ધાસુમન આ દિવંગત ખેલાડીને આપ્યા હતા. પેલેએ કહ્યું કે ‘એક દિવસ આકાશમાં કશેક મૅરડોના સાથે હું ફુટબૉલ રમીશ. ઘણા દુખદ સમાચાર છે. મેં એક સારો દોસ્ત અને દુનિયાનો મહાન ખેલાડી ગુમાવ્યો છે. ઘણું કહેવું છે, પણ હમણાં એટલું જ કહીશ કે ભગવાન તેના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આશા કરું છું કે એક દિવસ આકાશમાં અમે ક્યારેક સાથે મળીને ફુટબૉલ રમીશું.’

આજે દુનિયા એક મહાન પ્રતિભાને વિદાય આપી રહી છે, પણ હું મારા મિત્રને વિદાય આપી રહ્યો છું. તે શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક હતો. એક અસાધારણ જાદુગર. તે ઘણો જલદી જતો રહ્યો, પણ પોતાની અનંત લીગસી પાછળ મૂકતો ગયો છે. એક એવી ખાલી જગ્યા કરીને ગયો છે જે ક્યારેય ભરી નહીં શકાય. ઈશ્વર તારા આત્માને શાંતિ આપે. અમે તને ક્યારેય નહીં ભૂલીએ.’- ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
આર્જેન્ટિના અને ફુટબૉલ માટે આ ઘણા દુખદ સમાચાર છે. તે આપણને છોડીને જતો રહ્યો છે, પણ તે ક્યાંય નથી ગયો, કેમ કે તે અનંત છે. હું તેની સાથે વિતાવેલી દરેક સારી ક્ષણોને મારી પાસે રાખીશ. તેના પરિવાર અને મિત્રોના દુઃખમાં હું સહભાગી છું. - લિઓનેલ મેસી
ફૂટબૉલ અને વિશ્વના ખેલજગતે આજે એક મહાન પ્લેયરને ગુમાવ્યો છે. ઈશ્વર ડિએગો મૅરડોનાના આત્માને શાંતિ આપે. અમે તને ક્યારેય નહીં ભૂલીએ. - સચિન તેન્ડુલકર
મારો હીરો હવે નથી રહ્યો. મારા જિનીયસના આત્માને ઈશ્વર શાંતિ આપે. હું ફક્ત તમારા માટે જ ફુટબૉલ જોતો હતો.- સૌરવ ગાંગુલી
ઈશ્વર ડિએગો મૅરડોનાના આત્માને શાંતિ આપે. ફુટબૉલ જેવી સુંદર ગેમ રમવાની તરકીબ જ તેમણે બદલી નાખી હતી. તેઓ ખરા જિનીયસ હતા. - વિરાટ કોહલી

football diego maradona