News In Short: કમિન્સની કમાણી ૧૧ કરોડ રૂપિયા, ઑસ્ટ્રેલિયામાં હાઇએસ્ટ

26 May, 2022 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાનો ટેસ્ટ-સુકાની પૅટ કમિન્સ દેશભરના ક્રિકેટરોમાં હાઇએસ્ટ-પેઇડ ખેલાડી છે.

પૅટ કમિન્સ

કમિન્સની કમાણી ૧૧ કરોડ રૂપિયા: ઑસ્ટ્રેલિયામાં હાઇએસ્ટ

ઑસ્ટ્રેલિયાનો ટેસ્ટ-સુકાની પૅટ કમિન્સ દેશભરના ક્રિકેટરોમાં હાઇએસ્ટ-પેઇડ ખેલાડી છે. તે વર્ષે ૨૦ લાખ ઑસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે ૧૧ કરોડ રૂપિયા) કમાય છે. ૨૯ વર્ષના કમિન્સ પછી બીજા નંબર પર તેનો સાથી-બોલર જૉશ હૅઝલવુડ (૧૬ લાખ ડૉલર = ૮.૭૬ કરોડ રૂપિયા), ડેવિડ વૉર્નર (૧૫ લાખ ડૉલર = ૮.૨૧ કરોડ રૂપિયા) ત્રીજા નંબર પર, મિચલ સ્ટાર્ક (૧૪ લાખ ડૉલર = ૭.૬૭ કરોડ રૂપિયા) ચોથા નંબર પર અને સ્ટીવ સ્મિથ (૧૩ લાખ ડૉલર = ૭.૧૧ કરોડ રૂપિયા) પાંચમા નંબર પર છે. માર્નસ લબુશેન અને નૅથન લાયન ત્યાર પછીના ક્રમે છે.

અમેરિકા સહિત પાંચ દેશોને મહિલા વન-ડેનો દરજ્જો
આઇસીસીએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે હવેથી અમેરિકા, નેધરલૅન્ડ્સ, સ્કૉટલૅન્ડ, થાઇલૅન્ડ અને પપુઆ ન્યુ ગિની (પીએનજી) દેશની મહિલા ટીમ વિમેન્સ વન-ડે ઇન્ટરનૅશનલ રમી શકશે. આ દેશોને આ દરજ્જો તાત્કાલિક અમલમાં આવે એ રીતે અપાયો છે.

બંગલાદેશના ૩૬૫ સામે શ્રીલંકાના ૨૮૨/૫
મીરપુરમાં રમાતી બીજી ટેસ્ટમાં ગઈ કાલે ત્રીજા દિવસે શ્રીલંકાએ પ્રથમ દાવમાં પાંચ વિકેટે ૨૮૨ રન બનાવ્યા હતા. ગઈ ટેસ્ટમાં ૧૯૯ રન પર આઉટ થનાર ઍન્જેલો મૅથ્યુઝ ૫૮ રને નૉટઆઉટ હતો. કૅપ્ટન દિમુથ કરુણારત્ને ૮૦ રન બનાવીને આઉટ થયો હતો. શકીબે ત્રણ અને ઇબાદત હુસૈને બે વિકેટ લીધી હતી. બંગલાદેશે પ્રથમ દાવમાં મુશફિકુર રહીમના અણનમ ૧૭૫ અને લિટન દાસના ૧૪૧ રનની મદદથી ૩૬૫ રન બનાવ્યા હતા.

પ્રજ્ઞાનાનંદ ફાઇનલમાં નંબર-ટૂ સામે રમશે
ભારતનો ૧૬ વર્ષનો ચેસ-સ્ટાર આર. પ્રજ્ઞાનાનંદે ગઈ કાલે ચેસેબલ માસ્ટર્સ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં નેધરલૅન્ડ્સના ખેલાડી અને આ સ્પર્ધાના મોખરાના પ્લેયર અનિશ ગિરિને ૩.૫-૨.૫થી હરાવીને ફાઇનલમાં પહોંચી ગયો હતો. ફાઇનલમાં પ્રજ્ઞાનાનંદની ટક્કર ચીનના વર્લ્ડ નંબર-ટૂ ડિન્ગ લાઇરેન સાથે થશે. ડિન્ગે ગઈ કાલે સેમી ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. 

ત્સોંગાની નિવૃત્તિ ઃ રાડુકાનુ હારી ગઈ
ફ્રાન્સના જાણીતા ટેનિસ ખેલાડી જો વિલ્ફ્રાઇડ ત્સોંગાએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ તે પોતાના જ દેશની ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધા દરમ્યાન નિવૃત્તિ લઈ લેશે. તેણે ગઈ કાલે પૅરિસમાં ફ્રેન્ચ ઓપનના પહેલા રાઉન્ડમાં નોર્વેના કૅસ્પર રુડ સામે ૮-૬, ૪-૭, ૨-૬, ૦-૭થી હારી જવાને પગલે રિટાયરમેન્ટ લીધું હતું. છેલ્લી વાર સર્વ કરતી વખતે તે રડી પડ્યો હતો. તે ૧૮ વર્ષમાં એકેય ગ્રૅન્ડ સ્લૅમ નહોતો જીતી શક્યો. ૨૦૦૮માં તેણે ફ્રાન્સને ૧૬ વર્ષની પહેલી ડેવિસ કપ ટ્રોફી પણ અપાવી હતી. દરમ્યાન વર્લ્ડ નંબર-ફોર સિત્સીપાસે ગઈ કાલે પ્રથમ રાઉન્ડમાં લૉરેન્ઝો મુસેટીને ૫-૭, ૪-૬, ૬-૨, ૬-૩, ૬-૨થી હરાવ્યો હતો. યુએસ ઓપનની ચૅમ્પિયન એમ્મા રાડુકાનુ ગઈ કાલે બીજા રાઉન્ડમાં ઍલિયાકસૅન્ડ્રા સૅસ્નોવિચ સામે ૬-૩, ૧-૬, ૧-૬થી હારી ગઈ હતી. 

ચેલ્સી ક્લબ વિક્રમજનક ૨૪૧ અબજ રૂપિયામાં વેચાઈ
ઇંગ્લૅન્ડની ઇંગ્લિશ પ્રીમિયર લીગની ચેલ્સી ક્લબને અમેરિકાની લૉસ ઍન્જલસ ડૉજર્સ નામની બેઝબૉલ ટીમના સહ-માલિક તેમ જ અમેરિકાના બિઝનેસમૅન, ઇન્વેસ્ટર અને દાતા ટૉડ બૉએલીએ ખરીદી લીધી છે. બ્રિટનની સરકારે આ વેચાણ-ખરીદીને મંજૂરી આપી છે. બૉએલીએ ચેલ્સી ક્લબને ૩.૧ અબજ ડૉલર (અંદાજે ૨૪૧ અબજ રૂપિયા)માં ખરીદી છે. વિશ્વમાં કોઈ પણ એક સ્પોર્ટ્સ ક્લબને ખરીદવા માટે અપાયેલી આ સૌથી મોટી રકમ છે.

sports news australia