રિયલ મૅડ્રિડમાં પાછા ફરવાના ખોટા સમાચારથી ભડક્યો રોનાલ્ડો

19 August, 2021 12:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

થોડા દિવસથી મીડિયામાં એવા સમાચાર આવી રહ્યા હતા કે રોનાલ્ડો તેની હાલની ક્બલ યુવેન્ટ્સથી ખુશ નથી અને તે પાછો તેની જૂની ક્લબ રિયલ મૅડ્રિડમાં જવાનું વિચારી રહ્યો છે

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

પોર્ટુગલનો સ્ટાર ફુટબોલર ખેલાડી તેના હાલની ક્લબ યુવેન્ટને છોડીને ફરી તેની જૂની ક્લબ રિયલ મૅડ્રિડમાં જોડાઈ રહ્યો હોવાના મિડિયા રિપોર્ટથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ભારે નારાજ થયો હતો. તેણે ખુલાસો કર્યો હતો કે આ સમાચાર સાવ ખોટા છે અને મીડિયાને વિનંતી છે કે સમાચાર છાપતાં પહેલાં તે વિશે પૂરતી તપાસ કરે. થોડા દિવસથી મીડિયામાં એવા સમાચાર આવી રહ્યા હતા કે રોનાલ્ડો તેની હાલની ક્બલ યુવેન્ટ્સથી ખુશ નથી અને તે પાછો તેની જૂની ક્લબ રિયલ મૅડ્રિડમાં જવાનું વિચારી રહ્યો છે. મંગળવારે ઇટલીના એક અખબારે એવા રિપોર્ટ પણ છાપ્યા હતા કે રોનાલ્ડોના મૅનેજરની વાતચીત મૅન્ચેસ્ટર સિટી સાથે પણ ચાલી રહી છે.

આ સમાચાર બાદ રિયલ મૅડ્રિડના કોચે ખુલાસો કર્યો હતો કે રોનાલ્ડો રિયલ મૅડ્રિડનો લેજન્ડ ખેલાડી હતો. તેનું હું ખૂબ સન્માન કરું છું. પણ અમે હજી સુધી તેને પાછો લેવા વિશે કોઈ વિચાર નથી કર્યો.’

રિયલ મૅડ્રિડના કોચના ખુલાસા બાદ  રોનાલ્ડોએ પણ તેનું મૌન તોડવું પડ્યું હતું અને કહ્યું હતું કે ‘મારું નામ ઘણી બધી ક્લબ અને લીગ સાથે જોડવામાં આવી રહ્યું છે, પણ કોઈએ મારી પાસેથી સત્ય જાણવાની કોશિશ નથી કરી. હું મારું મૌન એટલા માટે તોડી રહ્યો છું કે હું કોઈને મારા નામ સાથે રમત કરવા દેવા નથી માગતો. હું મારા કામ અને મારી કરીઅર પર સંપૂર્ણ રીતે ફોકસ કરુંછું . કોઈ ખેલાડીનું આ રીતે અપમાન કરવાનું બંધ કરવું જોઈએ.’

રોનાલ્ડો તેની કરીઅરમાં અત્યાર સુધી ચાર ક્લબ વતી રમી ચૂક્યો છે. તેણે કરીઅરની શરૂઆત સ્પોર્ટિંગ સિપીથી કરી હતી. એ ક્લબ વતી તેણે ૩૧ મૅચમાં પાંચ ગોલ કર્યા હતાં. ત્યાર બાદ ૨૦૦૩માં તે ઇંગ્લિશ ક્બલ મૅન્ચેસ્ટર યુનાઇટેડ સાથે જોડાયો હતો. ત્યાં તેણે ૨૯૨ મૅચમાં ૧૧૮ ગોલ ફટકાર્યા હતા. ૨૦૦૯માં રિયલ મૅડ્રિડ સાથે જોડાયો હતો અને સ્પૅનિશ ક્લબ વતી તેણે ૪૩૮ મૅચમાં ૪૫૦ ગોલ કર્યા હતા. ત્યાર બાદ ૨૦૧૮માં તે સ્પેન છોડીને ઇટલી પહોંચી ગયો હતો અને યુવેન્ટ્સ જૉઇન કરી હતી. આ ક્લબ વતી અત્યાર સુધી ૧૩૩ મૅચમાં ૧૦૧ ગોલ કર્યા છે. આ દરમ્યાન તેણે ક્લબને ટૂ સિરી-એ ટાઇટલ અને એક ઇટેલિયન કપ જિતાડી આપ્યો છે. જોકે એ ક્લબને ચૅમ્પિયન લીગમાં નથી જિતાડી શક્યો.

sports sports news cristiano ronaldo