ભારતીય ખેલંદાઓમાં થયો કોરોના-વિસ્ફોટ

01 April, 2021 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પટિયાલા અને બૅન્ગલોર એનસીઈના ૩૦ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના રિપોર્ટ પૉઝિટિવ, ઑલિમ્પિકમાં જનારા પ્લેયરોનો રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો

પ્રતીકાત્મક તસવીર

સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે પટિયાલા અને બૅન્ગલોરના નૅશનલ સેન્ટર્સ ઑફ એક્સેલન્સ (એનસીઈ)માં સાવેચતીના ભાગરૂપે ૭૪૧ ખેલાડીઓની કોરોના-ટેસ્ટ લેવામાં આવી હતી એમાંથી ૩૦ જેટલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જોકે એમાં ટોક્યો જનારા કોઈ પણ ઍથ્લીટો કે ખેલાડીઓનું નામ નથી. કોરોના સંક્રમિત થનારાઓની યાદીમાં ભારતની બૉક્સિંગ ટીમના ચીફ કોચ સી. એ. કુટપ્પા અને ગોળાફેંક કોચ મોહિન્દર સિંહ ઢીલ્લોનનો સમાવેશ થાય છે. 
પટિયાલા અને બૅન્ગલોરમાં અનુક્રમે ૩૧૩ અને ૪૨૮ કોવિડ-ટેસ્ટ હાથ ધરાઈ હતી જેમાં પટિયાલામાં ૨૬ તો બૅન્ગલોરમાં ૪ કોરોના પૉઝિટિવ મળ્યા હતા. ટોક્યો ઑલિમ્પિક જનારા ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફની સલામતીને ધ્યાનમાં રાખીને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી હતી. પટિયાલામાં જે ૨૬ વ્યક્તિઓની કોરોના-ટેસ્ટ થઈ છે એ પૈકી ૧૬ ખેલાડીઓ તો અન્ય સપોર્ટ સ્ટાફ છે. ૧૬ ખેલાડીઓ પૈકી ૧૦ બૉક્સર અને ૬ ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ઍથ્લીટ છે. બૅન્ગલોરમાં રેસ વૉકિંગ કોચનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. સકારાત્મક વાત એ છે કે ઑલિમ્પિક જનારા ઍથ્લીટ કોરોના સંક્રમિત થયા નથી. જે ખેલાડીઓ સંક્રમિત થયા છે તેમને આઇસોલેટેડ કરાયા છે તથા સમગ્ર કૅમ્પસને સૅનિટાઇઝ કરવામાં આવી રહ્યું છે. 
સ્પોર્ટ્સ સેન્ટરમાં તાલીમ લઈ રહેલા તમામ વેઇટલિફ્ટરોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઑલિમ્પિક જનારા બૉક્સર તથા વેઇટલિફ્ટર્સ તથા અન્ય રમતના ખેલાડીઓ પટિયાલામાં તાલીમ લઈ રહ્યા છે. જે બૉક્સરને કોરોના થયો છે એમાં એશિયન સિલ્વર મેડલ જીતનાર દીપક કુમાર અને ઇન્ડિયા ઓપન ગોલ્ડ મેડલિસ્ટ સંજીતનો સમાવેશ થાય છે. 

sports news sports