ભારતીય હૉકી ટીમનો જીતની હૅટ-ટ્રિક સાથે લીગ રાઉન્ડ પૂરો

31 July, 2021 09:06 AM IST  |  Mumbai | Agency

ગુર્જંત સિંહના બે ગોલ સામે જપાન ઝૂક્યું : ક્વૉર્ટરમાં બ્રિટન સામે મુકાબલો

ભારતીય હૉકી ટીમનો જીતની હૅટ-ટ્રિક સાથે લીગ રાઉન્ડ પૂરો

ઑલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં વિશ્વવિક્રમી આઠ ગોલ્ડ મેડલ જીતનાર ભારતે ગઈ કાલે ટોક્યો ઑલિમ્પિક્સમાં પુરુષોની હૉકીમાં વધુ એક વિજય મેળવીને લીગ રાઉન્ડ પૂરો કર્યો હતો. ગઈ કાલે ભારતે પુલ ‘એ’માં યજમાન જપાનને ૫-૩થી પછાડ્યું હતું. એ સાથે ભારતીય ટીમે કુલ ચાર વિજય સાથે લીગ રાઉન્ડ પૂરો કર્યો છે.. ગઈ કાલનો ભારતનો સતત ત્રીજો વિજય હતો. ભારતીય ટીમ ગુરુવારે જ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ક્વૉર્ટરમાં ભારતનો રવિવારે (આવતી કાલે) ગ્રેટ બ્રિટન સાથે મુકાબલો છે.
ચાર પ્લેયરોએ કર્યા ગોલ
ભારત વતી ગુર્જંત સિંહે બે ગોલ (૧૭મી અને ૫૬મી મિનિટે) કર્યા હતા તેમ જ હરમનપ્રીત સિંહ (૧૩મી મિનિટે), શમશેર સિંહ (૩૪મી મિનિટે) અને નીલકંઠ શર્મા (૫૧મી મિનિટે)એ એક-એક ગોલ નોંધાવ્યો હતો. જપાન વતી કેન્તા તનાકા (૧૯મી મિનિટે), કોતા વાતાનાબે (૩૩મી મિનિટે) અને કાઝુમા મુરાટા (૫૯મી મિનિટે)એ ગોલ કર્યા હતા.
જપાન આ સ્પર્ધામાંથી આઉટ થઈ ગયું છે.
ભારતની ૧૯૮૦ના ‘ગોલ્ડન પર્ફોર્મન્સ’ની દિશામાં કૂચ
છેલ્લા ચાર દાયકામાં ઑલિમ્પિક્સમાં ભારતનો લીગ સ્તરે આ સર્વશ્રેષ્ઠ દેખાવ છે. ભારતે ઑલિમ્પિક્સમાં લીગ સ્તરે ચાર જીત મેળવી હોય એવું છેલ્લે ૧૯૭૨માં બન્યું હતું. ્રેની સાથે ભારતે ૧૯૭૨ના પર્ફોર્મન્સની બરોબરી કરી છે, ૧૯૮૦ની મૉસ્કો ઑલિમ્પિક્સની માફક આ વખતે લીગ સ્તરે પોતાના ગ્રુપમાં બીજું સ્થાન મેળવ્યું છે. અહીં ખાસ જણાવવાનું ૧૯૮૦માં ભારત આ સ્થિતિમાં રહ્યા પછી ગોલ્ડ મેડલ જીત્યું હતું. વિક્રમજનક આઠ ગોલ્ડ મેડલમાંનો ભારતનો એ છેલ્લો મેડલ હતો.
ગઈ કાલની ચોથી જીત સાથે ભારતીય ટીમ (૧૨ પૉઇન્ટ) પુલ ‘એ’માં 
નંબર-વન ઑસ્ટ્રેલિયા (૧૩ પૉઇન્ટ) પછી બીજા નંબરે છે. ઑસ્ટ્રેલિયા ચાર જીત અને એક ડ્રૉ સાથે મોખરે છે. આ લીગ રાઉન્ડમાં મૅન ઇન બ્લુ ભારતનો એકમાત્ર પરાજય ઑસ્ટ્રેલિયા સામે (૧-૭થી) થયો હતો.
બાકીની ક્વૉર્ટર્સ કોની વચ્ચે?
રવિવારની ક્વૉર્ટર ફાઇનલમાં બાકીની ત્રણ મૅચના હરીફો આ મુજબ છે ઃ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ નેધરલૅન્ડ્સ, આર્જેન્ટિના વિરુદ્ધ જર્મની અને સ્પેન વિરુદ્ધ બેલ્જિયમ.
બન્ને ગ્રુપમાંથી ટોચની ચાર-ચાર ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે.

sports news sports