લૉન બોલ્સમાં ગોલ્ડન ગર્લ્સે ભારત માટે રચ્યો ઇતિહાસ

03 August, 2022 12:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉમનવેલ્થ ગેમ્સની રોમાંચક ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડને ૧૭-૧૦થી હરાવી

લવલી ચૌબે ભારતીય વિમેન્સ ટીમની લીડર અને તેની સાથે ટીમમાં પિન્કી, નયનમોની સાઇકિયા અને રૂપા રાની તિર્કે

કૉમનવેલ્થ ગેમ્સમાં ચાર મહિલા ખેલાડીઓએ ગઈ કાલે લૉન બોલ્સની રમતમાં ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. વિમેન્સ ફોર્સ ઇવેન્ટની ફાઇનલમાં ભારતે ન્યુ ઝીલૅન્ડને ૧૭-૧૦થી હરાવીને ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. લવલી ચૌબે ભારતીય વિમેન્સ ટીમની લીડર હતી અને તેની સાથે ટીમમાં પિન્કી, નયનમોની સાઇકિયા અને રૂપા રાની તિર્કેનો સમાવેશ હતો.
લૉન બોલિંગ તરીકે પણ ઓળખાતી આ આઉટડોર સ્પોર્ટમાં સ્પર્ધક અન્ડરઆર્મ બોલિંગમાં અંદાજે દોઢ કિલો વજનવાળા પોતાની ટીમ માટેના રંગીન બૉલથી લૉન (ગ્રાઉન્ડ)માં દૂર રાખવામાં આવેલા ‘ધ જૅક’ તરીકે ઓળખાતા નાના બૉલને લક્ષ્યાંક બનાવે છે. અન્ય કેટલાક નિયમોને આધીન જૅકની આસપાસ જેના સૌથી વધુ બૉલ પહોંચે એ ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે.
એન્ડ-૭ વખતે ભારતીય ટીમ ૮-૨થી આગળ હતી. ત્યાર પછી સાઉથ આફ્રિકાની ટીમનું વર્ચસ રહ્યા બાદ ભારતે છેલ્લા ચાર રાઉન્ડમાં બાજી પોતાના હાથમાં લેવાની હતી અને ભારતીય ખેલાડીઓ એમાં સફળ રહી હતી. ભારતીય ટીમ વિજેતા થતાં કોચ મેદાન પર આવી ગઈ હતી અને બધી ચૅમ્પિયન ખેલાડીઓએ એકમેકને ભેટીને અભિનંદન આપ્યાં હતાં અને તિરંગા સાથે પોઝ આપ્યો હતો.

sports news sports