દરજી-પુત્ર લવપ્રીત સિંહે ટાર્ગેટ બનાવ્યો બ્રૉન્ઝને અને ૩૫૫ કિલો વજન ઊંચકી જીતી લીધો

04 August, 2022 12:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હેવીવેઇટ વર્ગનો વેઇટલિફ્ટર તમામ છ પ્રયાસોમાં સફળ રહ્યો

લવપ્રીત સિંહ

ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમની બાવીસમી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે મોટા ભાગના ચંદ્રકો વેઇટલિફ્ટિંગમાં જીત્યા છે અને એમાંનો એક મેડલ ગઈ કાલે ૨૪ વર્ષના હેવીવેઇટ વેઇટલિફ્ટર લવપ્રીત સિંહનો હતો. તેણે મેન્સ ૧૦૯ કિલોગ્રામ કૅટેગરીમાં કુલ ૩૫૫ કિલો વજન ઊંચકીને ત્રીજા નંબર પર રહી બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો.

સ્નૅચમાં ૧૬૩ કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૯૨ કિલો વજન ઊંચકનાર લવપ્રીતે પોતાની મર્યાદા જાણીને ખાસ કરીને બ્રૉન્ઝ મેડલને લક્ષ્ય બનાવ્યો હતો અને છેવટે એ જીતીને રહ્યો હતો. કૅમરૂનનો જુનિયર પેરિક્લેક્સ ગૅડ્યા યાપેયુ (૩૬૧ કિલો) ગોલ્ડ મેડલ અને સમોઆનો જૅક હિટ્ટિલા ઑપોલોગ (૩૫૮ કિલો) સિલ્વર મેડલ જીત્યો હતો.

લવપ્રીત તમામ છ અટૅમ્પમાં સફળ રહ્યો હતો, પરંતુ એક રીતે તેણે પોતાની મર્યાદા સમજીને કાંસ્યચંદ્રકને જ લક્ષ્ય બનાવ્યો હતો. કુલ ૩૫૫ કિલો વજન તેનો બેસ્ટ પર્ફોર્મન્સ છે. ક્લીન ઍન્ડ જર્કમાં તેણે ૧૯૨ કિલો વજન ઊંચકીને ૧૦૯ કિલોગ્રામની કૅટેગરીમાં નવો નૅશનલ રેકૉર્ડ રચ્યો છે.

 હું બ્રૉન્ઝ મેળવીને બેહદ ખુશ છું. આ મારી પહેલી મોટી ઇન્ટરનૅશનલ ઇવેન્ટ છે અને એમાં મેં મારી બેસ્ટ ક્ષમતા બતાડીને ચંદ્રક જીતી લીધો એ મારા માટે મોટી સિદ્ધિ કહેવાય. મેં જોયું કે હરીફાઈ જબરદસ્ત છે એટલે મેં કાંસ્યથી સંતોષ માની જ લીધો. : લવપ્રીત સિંહ

પરિવારની ઇચ્છા સ્પૉર્ટ‍્સમૅન બનાવવાની જ હતી!

લવપ્રીત સિંહ વેઇટલિફ્ટિંગમાં કરીઅર બનાવવાને બદલે તેના પિતાના ટેલરિંગના બિઝનેસમાં જોડાઈ શક્યો હોત, પરંતુ પરિવારમાં બધાની ઇચ્છા હતી કે તેને સ્પૉર્ટ‍્સમૅન બનાવવાની હતી. તેણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે વેઇટલિફ્ટિંગની તાલીમ શરૂ કરી હતી. ૨૦૧૫માં તે ૧૭ વર્ષની ઉંમરે ભારતીય નૌકાદળમાં જોડાયો હતો અને પછી પટિયાલાના નૅશનલ કૅમ્પમાં આવ્યો હતો.
લવપ્રીત ૨૦૧૭માં કૉમનવેલ્થ જુનિયર ઇવેન્ટ અને એશિયા જુનિયર ચૅમ્પિયનશિપમાં અનુક્રમે ગોલ્ડ અને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. લવપ્રીતે પી. ટી. આઇ.ને કહ્યું, મેં નાનપણમાં મેં ઘણી આર્થિક મુશ્કેલીઓ જોઈ હતી, પરંતુ મારાં મમ્મી-પપ્પાએ મને રમતમાં ઝુકાવવા સતત પ્રેર્યો હતો. આજે હું જે કંઈ છું એ તેમના આશીર્વાદથી જ છું.’

sports news sports