મહિલા પોલીસ ઑફિસરની પુત્રી તુલિકા માન જુડોમાં જીતી સિલ્વર

05 August, 2022 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેડલ-વિજેતા તુલિકા માન હજી પણ પૂરી ફિટ નથી!

તુલિકા માન

દિલ્હીમાં રહેતી ભારતીય જુડોની ઍથ્લીટ તુલિકા માન બુધવારે બર્મિંગહૅમની કૉમનવેલ્થ ગેમ્સમાં ૭૮ કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં સ્કૉટલૅન્ડની સારા ઍડ્લિન્ગ્ટન સામે હારી જતાં સિલ્વર મેડલ જીતી હતી. એ દિવસે અગાઉની બે મૅચમાં તુલિકા જીતીને ફાઇનલમાં પહોંચી ગઈ હતી, પરંતુ સારાએ ઇપોનના નિર્ણાયક મૂવમાં તુલિકાને નીચે પછાડી હતી અને આ મુકાબલો સારાની જીત સાથે ૩૦ સેકન્ડ વહેલો પૂરો થઈ ગયો હતો.

૨૩ વર્ષની તુલિકા માટે રજતચંદ્રક ખૂબ મહત્ત્વનો છે. આ વખતની કૉમનવેલ્થમાં જુડોમાં મેડલ જીતનારી તે (સુશીલાદેવી, વિજયકુમાર પછીની) ત્રીજી જુડોકા છે. આ મુકાબલા દરમ્યાન મોટા ભાગના પ્રેક્ષકો સારાની તરફેણમાં હતા છતાં તુલિકા તેને જોરદાર લડત આપવામાં સફળ થઈ હતી.

તુલિકા માંડ બે વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. તુલિકાની મમ્મી અમ્રિતા માન વિધવા છે. જોકે તે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચમાં અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર છે. તુલિકા સિલ્વર મેડલ જીત્યા પછી ભાવુક બની ગઈ હતી. તેણે કહ્યું કે ‘ચાર વર્ષ પછી ફરી કૉમનવેલ્થમાં ઝુકાવીશ અને ગોલ્ડ જીતીને રહીશ.’

મેડલ-વિજેતા તુલિકા માન હજી પણ પૂરી ફિટ નથી!

તુલિકા માન બુધવારે કૉમનવેલ્થમાં સિલ્વર મેડલ જીતી હતી, પરંતુ તેના જ શબ્દોમાં જાણીએ તો તે હજી આટલા ઊંચા સ્તરની હરીફાઈમાં ભાગ લેવા માટે પૂરતી ફિટ નથી. એક વર્ષ પહેલાં કૉમનવેલ્થ માટે જુડોના સ્પર્ધકો માટેનું જે લિસ્ટ બન્યું હતું એમાં ૨૩ વર્ષની તુલિકાનો સમાવેશ નહોતો. જોકે તેણે સ્ક્વૉડમાં સ્થાન મેળવવા ૩૦ કિલો વજન ઘટાડવું પડ્યું હતું. તેનું વજન એક વર્ષ પહેલાં ૧૧૫ કિલો હતું જે તેણે ૮૫ કિલો સુધી ઘટાડ્યું હતું. તે કહે છે કે ‘મારું વજન ૮૯થી ૯૦ કિલો છે. મારી દૃષ્ટિએ એશિયન સ્પર્ધા કૉમનવેલ્થ ગેમ્સ કરતાં વધુ પડકારરૂપ અને કઠિન હોય છે. હજી મારે ઘણો સુધારો કરવાનો બાકી છે. મેં અગાઉ આ રમતમાંથી બ્રેક લઈને ૨૦૧૧માં કમબૅક કર્યું ત્યારે હું અનફિટ હતી, પરંતુ ભોપાલના કોચ યશપાલ સોલંકી મારા પર્ફોર્મન્સમાં ઘણો સુધારો લાવ્યા હતા. સાચું કહું તો હું સર્વોચ્ચ સ્પર્ધા માટે હજી પણ પૂરી ફિટ ન કહેવાઉં.’

sports news sports