તેજસ ‘વિન’

05 August, 2022 01:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

હાઈ જમ્પર તેજસ્વિન શંકરે ગયા મહિને કોર્ટમાં લડાઈ જીત્યા પછી જીતી લીધો બ્રૉન્ઝ : ઍથ્લેટિક્સમાં ભારતે મેળવ્યો પ્રથમ ચંદ્રક

તેજસ્વિન શંકર

ભારતનો ટોચનો હાઈ જમ્પર તેજસ્વિન શંકર કૉમનવેલ્થ ગેમ્સની હરીફાઈમાં ભાગ લઈ શકશે કે નહીં એ હજી થોડા દિવસ પહેલાં તો નક્કી પણ નહોતું, કારણ કે તેણે આ રમતોત્સવ પહેલાંની ટ્રાયલ (આંતરરાજ્ય હરીફાઈ)માં ભાગ નહોતો લીધો એટલે તેનું નામ લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. જોકે તેણે અદાલતનો દરવાજો ખટખટાવ્યો અને છેવટે અદાલતની લડાઈ જીત્યા પછી કૉમનવેલ્થમાં તેને ભાગ લેવા મળ્યું અને બ્રૉન્ઝ જીતીને પોતાની કાબેલિયત સાબિત કરી ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. ૨૩ વર્ષના તેજસ્વિને ૨.૨૨ મીટર ઊંચો કૂદકો માર્યો હતો. ન્યુ ઝીલૅન્ડના હૅમિશ કેર અને ઑસ્ટ્રેલિયાના બ્રેન્ડન સ્ટાર્કનો કૂદકો એકસરખો ૨.૨૫ મીટર હતો, પરંતુ કાઉન્ટ-બૅકના આધારે કિવી ઍથ્લીટે ૨.૨૮ મીટરના માર્કિંગ સાથે ગોલ્ડ મેડલ અને સ્ટાર્ક સિલ્વર જીત્યો હતો. 

તેજસ્વિનના પિતા હરિશંકર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના વકીલ હતા. જોકે તેજસ્વિન બહુ નાનો હતો ત્યારે તેના પિતાનું બ્લડ કૅન્સરને કારણે નિધન થયું હતું. અગાઉ ઍથ્લેટિક્સમાં ભાગ લઈ ચૂકેલા તેજસ્વિન સામે છેક સ્પર્ધાના એક અઠવાડિયા પહેલાં આયોજકોએે અદાલતમાં નમતું જોખીને તેને કૉમનવેલ્થમાં ભાગ લેવાની છૂટ આપી હતી.

sports news sports