ઘોષાલે બ્રિટિશ કોચ પાસે તાલીમ લઈને તેમના જ પુત્રને હરાવ્યો!

05 August, 2022 01:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતના ટોચના સ્ક્વૉશ ખેલાડીએ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વનને હરાવીને ભારત માટે કૉમનવેલ્થનો ઐતિહાસિક મેડલ જીતી લીધો

સૌરવ ઘોષાલ

ભારતના ૩૫ વર્ષના પીઢ સ્ક્વૉશ ખેલાડી સૌરવ ઘોષાલે બુધવારે કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતીને ભારત માટે ઇતિહાસ રચ્યો હતો. વિશ્વમાં ૧૫મો રૅન્ક ધરાવતો ઘોષાલ ઇંગ્લૅન્ડના ૩૮ વર્ષના જેમ્સ વિલ્સ્ટ્રૉપને ૧૧-૬, ૧૧-૧, ૧૧-૪થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. હકીકતમાં ઘોષાલે અગાઉ ૧૦-૧૫ વર્ષ સુધી જેમ્સના પિતા માલ્કમ વિલ્સ્ટ્રૉપ પાસે સ્ક્વૉશની તાલીમ લીધી હતી અને બુધવારનો વિલ્સ્ટ્રૉપ ફૅમિલી માટે અપશુકનિયાળ, પણ ઘોષાલ માટે શુકનવંતો દિવસ હતો, જેમાં તેણે આ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન બ્રિટિશ ખેલાડી પર આખી મૅચમાં વર્ચસ જમાવીને તેને હરાવ્યો હતો.

ઘોષાલે પી.ટી.આઇ.ને કહ્યું કે ‘હું આ મેડલ મારા ગ્રૅન્ડફાધર (જેઓ ૨૦૨૦માં અવસાન પામ્યા)ને તેમ જ મારા ભૂતપૂર્વ કોચ અને બુધવારના મારા હરીફ જેમ્સના પિતા માલ્કમ વિલ્સ્ટ્રૉપ (જેમનું ગયા વર્ષે નિધન થયું)ને અર્પણ કરું છું. માલ્કમ પાસે મેં ઘણાં વર્ષો સુધી તાલીમ લીધી હતી. મેં એ ટ્રેઇનિંગ દરમ્યાન જેમ્સ સાથે ઘણી પ્રૅક્ટિસ કરી હતી. આ રમત છે એટલે મેં જેમ્સને હરાવ્યો, પરંતુ મારા આ મિત્રને હરાવવા બદલ મને દુઃખ પણ છે.’

ઘોષાલ અગાઉ કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો, પરંતુ એ મિક્સ્ડ-ડબલ્સ સિલ્વર હતો જે તે દીપિકા પલ્લીકલ સાથેની જોડીમાં ૨૦૧૮ની કૉમનવેલ્થ ગેમ્સમાં જીત્યો હતો.

ચોથી કૉમનવેલ્થ ગેમ્સમાં રમનાર ઘોષાલ બ્રૉન્ઝ મળતાં ભાવુક થઈ ગયો હતો. તેની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં હતાં. તેણે કહ્યું કે ‘કોઈ પણ મેડલ હોય, મારા માટે એ સ્પેશ્યલ હોય છે. આ બ્રૉન્ઝ મેડલ મારા માટે દુનિયાની સૌથી મોટી સિદ્ધિ છે. ભારતીય સ્ક્વૉશ માટે આ ઐતિહાસિક દિન છે. મેં આટલાં વર્ષ સુધી જે મહેનત કરી એનું મને આ ચંદ્રકના રૂપમાં ફળ મળ્યું એનો મને બેહદ આનંદ છે. મારા મેડલ્સમાં આ કૉમનવેલ્થનો ચંદ્રક જ ખૂટતો હતો જે હવે મને મળી ગયો છે.’

બુધવારે મિક્સ્ડ-ડબલ્સમાં જોશના ચિનપ્પા અને હરિન્દર પાલ સિંહ સંધુની જોડીએ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે સિંગલ્સની પ્લેટ ફાઇનલમાં સુનઇના કુરુવિલા ગયાનાની હરીફને હરાવી ટ્રોફી જીત્યો હતો.

sports sports news