દર વખતે છઠ્ઠે કે સાતમે રહી જતો હતો એટલે સિલ્વરથી બહુ ખુશ છું : મુરલી

06 August, 2022 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉન્ગ જમ્પની નવી ટેક-ઑફ સિસ્ટમને લીધે કૉમનવેલ્થનો ગોલ્ડ ચૂક્યો

મુરલી શ્રીશંકર

કેરલાના પલક્કડનો ૨૩ વર્ષનો ઍથ્લીટ મુરલી શ્રીશંકર ગુરુવારે બર્મિંગહૅમમાં કૉમનવેલ્થ ગેમ્સની લૉન્ગ જમ્પની ફાઇનલમાં બીજા નંબરે આવતાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે ૮.૦૮ મીટર લાંબો કૂદકો માર્યો હતો. ગોલ્ડ મેડલ જીતનાર બહામાના લૅક્વૉન નઇર્નનો કૂદકો પણ ૮.૦૮ મીટર લાંબો હતો, પરંતુ મુરલીનો સેકન્ડ જમ્પ ૭.૮૪ મીટર લાંબો હતો, જ્યારે નઇર્નનો સેકન્ડ જમ્પ તેનાથી ચડિયાતો એટલે કે ૭.૯૪ મીટર લાંબો હતો. બીજું, લેસર-આધારિત નવા ટેક-ઑફ બોર્ડ પરથી જે ડેટા આપવામાં આવ્યા એ મુજબ મુરલીના બે જમ્પને ફાઉલ ગણવામાં આવ્યા હતા, જેને પરિણામે તે બીજા નંબરે રહી ગયો હતો અને બહામાનો નઇર્ન નંબર વન અને ચૅમ્પિયન ઘોષિત થયો હતો.

મુરલીએ હરીફાઈ પછી પત્રકારોને કહ્યું હતું કે ‘હું દર વખતે ૬ઠ્ઠા કે ૭મા નંબર પર જ રહી જતો હતો એટલે આ વખતે બીજા નંબરે આવીને સિલ્વર મેડલ જીત્યો એનાથી ખૂબ ખુશ છું.’ તે કૉમનવેલ્થ ગેમ્સમાં લૉન્ગ જમ્પનો સિલ્વર મેડલ જીતનારો પ્રથમ ભારતીય છે. ૧૯૭૮માં સુરેશ બાબુને બ્રૉન્ઝ મળ્યો હતો. ૨૦૦૨માં અંજુ બૉબી જ્યૉર્જ બ્રૉન્ઝ અને ૨૦૧૦માં પ્રજુશા મલઇક્કલ સિલ્વર મેડલ જીતી હતી.

અગાઉની સિસ્ટમ એવી હતી જેમાં એક અધિકારી બોર્ડની બાજુમાં બેસીને જમ્પરે નિર્ધારિત લાઇન ઓળંગી છે કે નહીં અથવા તેનો કોઈ ફાઉલ હતો કે નહીં એ જાહેર કરતા હતા. સેન્ટિમીટરના માર્જિનને આધારે મેડલ નક્કી થતા હતા, પરંતુ વર્લ્ડ ઍથ્લેટિક્સે હવે ડિજિટલ ટેક-ઑફ બોર્ડની પદ્ધતિ દાખલ કરી છે, જેમાં લેસર-બીમ હવે ટેક-ઑફ લાઇનનું કામ કરે છે. જો કોઈ જમ્પર આ બીમને જરાક પણ બ્રેક કરે તો ફાઉલ ગણાય છે. લેસર બીમ ખૂબ સેન્સિટિવ છે. જો જમ્પર એક મિલીમીટર માટે પણ ઓવરસ્ટેપ કરે તો ફાઉલ ઘોષિત થાય છે. ગઈ કાલે મુરલીના બે જમ્પને અત્યંત ઓવરસ્ટેપિંગના ટૂંકા માર્જિનથી લાઇન ક્રૉસ કરવાના ફાઉલ તરીકે જાહેર કરાયા હતા, જેનાથી ખુદ મુરલીને નવાઈ લાગી હતી. જોકે આ નવી અદ્યતન સિસ્ટમ મુજબ મુરલીનો અંગૂઠો એક મિલીમીટર અક્રૉસ ધ લાઇન હતો અને તેનો જમ્પ જે ૮.૩૦ મીટર જેટલો લાંબો હતો એ નિયમ બહારનો જાહેર કરાયો હતો. તેનો છેલ્લો જમ્પ બહામાના નઇર્ન કરતાં જરા વધુ એટલે કે ૭.૯૪ મીટરથી વધુ હોત તો ગોલ્ડ મેડલ તેના (મુરલીના) નામે લખાયો હોત. નઇર્નનો છેલ્લો જમ્પ ફાઉલ જાહેર કરાયો હતો, પરંતુ તેનો અગાઉનો કૂદકો સૌથી લાંબો (૭.૯૪ મીટર) હોવાથી તેને નંબર વન ઘોષિત કરાયો હતો. નિયમ મુજબ નઇર્નનો સેકન્ડ-બેસ્ટ પ્રયાસ મુરલીના સેકન્ડ-બેસ્ટ અટેમ્પથી ચડિયાતો હોવાથી નઇર્ન વિજેતા બન્યો હતો. સાઉથ આફ્રિકાનો યોવાન વુરેન (૮.૦૬ મીટર) બ્રૉન્ઝ જીત્યો હતો.

sports sports news