ઍથ્લેટિક અને લૉન બૉલને લીધે ભારતનો અભૂતપૂર્વ દેખાવ

10 August, 2022 04:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વખતે કૉમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગની સ્પર્ધા ન હોવાથી ભારત ટૉપ ફાઇવમાં સ્થાન નહીં મેળવી શકે એવી ભવિષ્યવાણી ૨૨ ગોલ્ડ મેડલ સાથે ખોટી સાબિત થઈ, ચાર રમતોની મેડલ ટેલીમાં ઇન્ડિયા પ્રથમ ક્રમાંકે રહ્યું

કૉમનવેલ્થમાં ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતનાર અલ્ધોસ પૉલ (મધ્યમાં), સિલ્વર મેડલ જીતનાર અબદુલ્લા અબુબકર (જમણે) અને વિઘ્નદોડમાં સિલ્વર મેડલ જીતનાર અવિનાશ સાબળેનું બૅન્ગલોરમાં ભવ્ય સ્વાગત થયું હતું

બર્મિંગહૅમમાં ગઈ કાલે સંપન્ન થયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત શૂટિંગની રમત ન હોવાને કારણે મેડલ ટેલીમાં ટૉપ ફાઇવ સ્થાન કદાચ નહીં મેળવી શકે એવી શક્યતાને ઍથ્લેટિકસ અને લોન બૉલમાં ભારતની સફળતાએ ખોટી પાડી હતી અને ભારત મેડલ ટેલીમાં ચોથા ક્રમાંકે રહ્યું હતું. ગઈ કૉમનવેલ્થમાં ભારતે મેળવેલા ૬૬ મેડલ પૈકી ૨૫ ટકા મેડલ શૂટિંગ સ્પર્ધાના હતા. એથી મોટા ભાગના લોકો એવું માનતા હતા કે ભારત ૫૦ મેડલના આંકને પણ સ્પર્શી નહીં શકે, પરંતુ ભારતને કુલ ૬૧ મેડલ મળ્યા છે, જેમાં ટ્રૅક ઍન્ડ ફીલ્ડ સ્પર્ધામાં ભારત આઠ મેડલ જીત્યું હતું, જેમાં વિદેશમાં યોજાયેલી કોમનવેલ્થમાં ભારતનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો છે. 

મેન્સ ટ્રિપલ લૉન્ગ જમ્પમાં ભારતના અલ્ધૉસ પૉલ અને અબદુલ્લા અબુબકર અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા, ૩૦૦૦ મીટરની વિઘ્નદોડમાં અવિનાશ સાબળેએ સિલ્વર તો તેજસ્વિન શંકર હાઈ જમ્પમાં બ્રૉન્ઝ જીત્યો હતો. લૉન્ગ જમ્પમાં ભારતના મુરલી શ્રીશંકર સિલ્વર જીત્યો હતો. ભાલાફેંકમાં બ્રૉન્ઝ જીતનાર અનુરાની પહેલી ભારતીય મહિલા ઍથ્લીટ બની હતી, તો પ્રિયંકા ગોસ્વામી અને સંદીપકુમાર ૧૦,૦૦૦ મીટર રેસ વૉકમાં મેડલ જીત્યાં હતાં. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ જીતનાર અંજુ બૉબી જ્યૉર્જે ભવિષ્યવાણી કરી હતી કે ભારત આવી સ્પર્ધામાં સાત મેડલ જીતશે, પરંતુ નીરજ ચોપડાની ગેરહાજરી છતાં ભારત કુલ આઠ મેડલ જીત્યું છે. 

ગોલ્ડ અને સિલ્વર

વિક્ટોરિયા પાર્કમાં ભારતની લોન બૉલની મહિલા ટીમે કમાલ કરી. લવલી ચૌબે, પિન્કી, રૂપા રાની ટીર્કે અને નયમનમોની સાઇકિયા ગોલ્ડ જીતી. ભારતમાં ઘણાને આ રમત વિશે જાણ નથી. મહિલાની સફળતાથી પ્રેરણા લઈને પુરુષોની ટીમે પણ સિલ્વર જીતીને કમાલ કરી હતી, જેમાં નવનીત સિંહ, ચંદન કુમાર સિંહ, સુનીલ બહાદુર અને દિનેશ કુમારનો સમાવેશ હતો. 

પહેલવાનોનો દબદબો

ભારતીય પહેલવાનો પોતાનો દબદબો જાળવી રાખતાં તમામ ૧૨ સ્પર્ધામાં મેડલ જીત્યા જેમાં ૬ ગોલ્ડનો સમાવેશ છે. ઑલિમ્પિકમાં મેડલ જીતનાર રવિ દહિયા અને બજરંગ પુનિયા માટે રાહ આસાન હતી, તો સાક્ષી મલિક અને વિનેશ ફોગટે પણ ગોલ્ડ જીતીને શાનદાર વાપસી કરી હતી. જુડોમાં પણ ભારત ત્રણ મેડલ જીત્યું. રેસલિંગ બાદ સૌથી વધુ ચાર ગોલ્ડ મેડલ ટેબલ ટેનિસમાં મળ્યા. ૪૦ વર્ષના શરથ કમલે ગોલ્ડ જીતીને ઉંમરને માત્ર આંકડો જ સાબિત કર્યો હતો. તેણે સિંગલમાં ૧૬ વર્ષ બાદ ગોલ્ડ જીતીને કુલ ૧૩ મેડલ અત્યાર સુધી આ સ્પર્ધામાં જીત્યો છે. પૅરાલિમ્પિક ભાવિના પટેલ પણ ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીતી હતી. બૅડ્મિન્ટનમાં ભારત ત્રણ ગોલ્ડ જીત્યું છે, જેમાં પી. વી. સિંધુ પોતાનો પહેલો ગોલ્ડ જીતી, તો યુવા લક્ષ્ય સેન પણ મેડલ જીતવામાં સફળ રહ્યો. બૉક્સિંગમાં નીતુ ઘંઘાસ અને અમિત પંઘાલ ગોલ્ડ જીત્યાં હતાં. નિખત ઝરીન પણ ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી. વેઇટ લિફટીંગમાં ભારત ત્રણ ગોલ્ડ સહિત કુલ ૧૦ મેડલ જીત્યું હતું. આમ આ વખતે રેસલિંગ, વેઇટલિફ્ટીંગ, બૅડમિન્ટન અને ટેબલ ટેનિસની મેડલ ટેલીમાં ભારત પ્રથમ ક્રમાંક રહ્યું હતું. 

નિષ્ફળતા 

કેટલીક રમતમાં અપેક્ષા મુજબ પરિણામ ન આવ્યાં. મહિલાઓએ ક્રિકેટમાં શાનદાર રમત બતાવી હતી, પરંતુ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. હૉકીમાં ભારતીય મહિલા ટીમ મેલબર્નમાં ૨૦૦૬માં જીતેલા મેડલ બાદ ફરી એક વાર મેડલ જીતવામાં સફળ રહી તો પુરુષોની ટીમને ઑસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ૭-૦થી હરાવી. 

sports sports news