હૉકીની થ્રિલરમાં ભારતીય મહિલાઓ જીતી બ્રૉન્ઝ : સવિતા સુપરસ્ટાર

08 August, 2022 03:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ત્રીજા સ્થાન માટેની દિલધડક મૅચમાં ભારતે ન્યુ ઝીલૅન્ડને શૂટઆઉટમાં ૨-૧થી હરાવીને બ્રૉન્ઝ જીતી લીધો હતો

મહિલા હૉકી ટીમ

બર્મિંગહૅમમાં ગઈ કાલે હૉકીમાં મહિલા ટીમે ભારતને ૧૬ વર્ષે કૉમનવેલ્થ ગેમ્સનો પહેલો મેડલ અપાવ્યો હતો. ત્રીજા સ્થાન માટેની દિલધડક મૅચમાં ભારતે ન્યુ ઝીલૅન્ડને શૂટઆઉટમાં ૨-૧થી હરાવીને બ્રૉન્ઝ જીતી લીધો હતો. કૅપ્ટન અને ગોલકીપર સવિતા પુનિયા આ મૅચની સુપરસ્ટાર હતી.

મુખ્ય મૅચમાં બન્ને ટીમ ૧-૧થી બરાબરીમાં રહી હતી. સલીમા ટેટેએ ૨૯મી મિનિટે ગોલ કર્યા બાદ ૬૦મી મિનિટે કિવી પ્લેયર ઑલિવિયા મૅરીએ મૅચને ૩૦ સેકન્ડ બાકી હતી ત્યારે ગોલ કરીને સ્કોર ૧-૧થી સમાન કર્યો હતો જેને કારણે મૅચ શૂટઆઉટમાં ગઈ હતી. સવિતાએ શૂટઆઉટમાં કમાલના પ્રસાયથી ત્રણ ગોલ થતાં રોક્યા હતા, જ્યારે સોનિકા નવનીત કૌર કિવી ગોલકીપર ગ્રેસ ઑહેન્લને થાપ આપીને ગોલ કરવામાં સફળ થઈ હતી.

શનિવારે ભારતે શૂટઆઉટમાં સ્ટૉપવૉચની ગરબડ થવાને કારણે ઑસ્ટ્રેલિયા સામેની સેમી ફાઇનલમાં ૦-૩થી હાર જોવી પડી હતી. જોકે ગઈ કાલે ભારતીય ટીમે બ્રૉન્ઝ મેડલ જીતીને આયોજકોના એ ફિયાસ્કોને ભુલાવવાનો પ્રયાસ કર્યો હતો.

sports sports news indian womens hockey team hockey