કાંડું ન દુખતું હોત તો સિલ્વર જ જીત્યો હોત : ગુરદીપ

05 August, 2022 01:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પંજાબનો ખેડૂતપુત્ર કુલ ૩૯૦ કિલો વજન ઊંચકીને જીત્યો બ્રૉન્ઝ: પાકિસ્તાનનો મુહમ્મદ જીત્યો ગોલ્ડ

ગુરદીપ સિંહ

૭૨ દેશોના ઍથ્લીટોની કૉમનવેલ્થ ગેમ્સમાં બુધવારે વેઇટલિફ્ટિંગમાં +૧૦૯ કિલો કૅટેગરીમાં કુલ ૩૯૦ કિલો વજન ઊંચકીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધા પછી ૨૬ વર્ષના ગુરદીપ સિંહે પત્રકારોને કહ્યું કે ‘ત્રીજા સ્થાને આવીને રજતચંદ્રક જીતી લેવાનો મને બેહદ આનંદ છે, પરંતુ સિલ્વર ન જીતી શક્યો એનો થોડો અફસોસ પણ છે. મારું કાંડું દુખતું હતું એટલે સ્નૅચ વર્ગમાં હું ધાર્યા જેટલું વજન નહોતો ઊંચકી શક્યો. જો કાંડામાં દુખાવો ન હોત તો મેં સિલ્વર જ જીતી લીધો હોત.’

વેઇટલિફ્ટિંગમાં આ વખતની સ્પર્ધાની હેવીવેઇટ કૅટેગરીમાં ભારતનો આ પહેલો જ મેડલ છે. પંજાબમાં ખન્ના નજીક માનરી રાસલુરી ગામમાં રહેતો ગુરદીપ સિંહ ખેડૂતનો પુત્ર છે. ગુરદીપે ૧૬૭ કિલો વજન સ્નૅચમાં અને ૨૨૩ કિલો વજન ક્લીન ઍન્ડ જર્કમાં ઊંચક્યું હતું. આ ૨૨૩ કિલો વજન તેનો નવો નૅશનલ રેકૉર્ડ છે. તે સાત વખત હેવીવેઇટ કૅટેગરીમાં નૅશનલ ચૅમ્પિયન બન્યો છે.
પાકિસ્તાનનો મુહમ્મદ નૂહ બટ કુલ ૪૦૫ કિલો વજન ઊંચકીને ગોલ્ડ મેડલ અને ન્યુ ઝીલૅન્ડનો ડેવિડ ઍન્ડ્રયુ લિટી ૩૯૪ કિલો વજન ઊંચકીને સિલ્વર મેડલ જીત્યો હતો.

10
ભારત કૉમનવેલ્થમાં આ વખતે જેટલા મેડલ જીત્યું છે એમાં આટલા ચંદ્રક વેઇટલિફ્ટિંગના છે. એમાં ૩ ગોલ્ડ, ૩ સિલ્વર, ૪ બ્રૉન્ઝ છે.

sports news sports