News In Short: ભારત હૉકીમાં બે ખોટાં યલો કાર્ડને લીધે હારી ગયું

03 August, 2022 12:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ સામેની એની મૅચ ૪-૪થી ડ્રૉ ગઈ હતી

કૅપ્ટન મનપ્રીત સિંહ

ભારત હૉકીમાં બે ખોટાં યલો કાર્ડને લીધે હારી ગયું

સોમવારે કૉમનવેલ્થ ગેમ્સ મેન્સ હૉકીમાં પુલ ‘બી’માં ભારતે જીતવું અત્યંત જરૂરી હતું, પરંતુ ઇંગ્લૅન્ડ સામેની એની મૅચ ૪-૪થી ડ્રૉ ગઈ હતી. બે ગોલ કરનાર કૅપ્ટન મનપ્રીત સિંહના મતે ચોથા ક્વૉર્ટરમાં ભારત ૪-૧થી આગળ હતું, પરંતુ છેલ્લી મિનિટોમાં ભારતની ભૂલ ન હોવા છતાં બે યલો કાર્ડ બતાવવામાં આવ્યાં હતાં જેને કારણે ભારતીય ટીમ ડિસ્ટર્બ્ડ થઈ ગઈ હતી અને ઇંગ્લૅન્ડ ઉપરાઉપરી ત્રણ ગોલ કરવામાં સફળ થતાં મૅચ ડ્રૉમાં પરિણમી હતી. આજે ભારતની કૅનેડા સામે મૅચ છે.

૫-૬ ઑગસ્ટે પ્રો કબડ્ડી માટે પ્લેયર્સ ઑક્શન

પ્રો કબડ્ડી ટુર્નામેન્ટની આગામી નવમી સીઝન માટે ૫-૬ ઑગસ્ટે મુંબઈમાં પ્લેયર્સ ઑક્શન યોજાશે જેમાં ડોમેસ્ટિક, ઓવરસીઝ અને ન્યુ યંગ પ્લેયર્સને ચાર કૅટેગરી (એ, બી, સી, ડી)માં અને પછી એમાં ‘ઑલરાઉન્ડર્સ’, ‘ડિફેન્ડર્સ’, ‘રેઇડર્સ’માં અલગ પાડવામાં આવશે. ચાર કૅટેગરી માટેની બેઝ પ્રાઇઝ અનુક્રમે ૩૦ લાખ, ૨૦ લાખ, ૧૦ લાખ, ૬ લાખ રૂપિયા છે. પ્રત્યેક ફ્રૅન્ચાઇઝી પાસે કુલ ૪.૪ કરોડ રૂપિયાનું સૅલેરી પર્સ ઉપલબ્ધ રહેશે. પવન સેહરાવત આ હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. ‘હાઈ ફ્લાયર’ તરીકે ઓળખાતો આ પ્લેયર છેલ્લી ત્રણ સીઝનનો નંબર વન રેઇડર છે.

અલ્ટિમેટ ખો ખોમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે પહેલી મૅચ

પુણેમાં ૧૪ ઑગસ્ટે શરૂ થનારી ૬ ટીમ વચ્ચેની ફ્રૅન્ચાઇઝી આધારિત અલ્ટિમેટ ખો ખો ટુર્નામેન્ટની સીઝન-વનમાં પહેલી મૅચ મુંબઈ ખિલાડીઝ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. બીજો મુકાબલો ચેન્નઈ ક્વિક ગન્સ અને તેલુગુ યોદ્ધાસ વચ્ચે રમાશે.

ચેસમાં તાનિયાએ ભારતને જીત અપાવી

તામિલનાડુના ચેસ ઑલિમ્પિયાડમાં ભારતે કુલ ત્રણ ટીમ ઉતારી છે જેમાં ઇન્ડિયા ‘એ’ ટીમે પહેલી ચારેય ગેમ ડ્રૉ કરી છે, જ્યારે ‘બી’ ટીમે પુરુષો અને મહિલાઓ બન્ને વર્ગમાં વર્ચસ જમાવ્યું છે. ‘સી’ ટીમ માટે કેટલાક પરાજયોને લીધે થોડી તકલીફ ઊભી થઈ છે, ટીમ ‘એ’ની તાનિયા સચદેવ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ગ્રુપની ખેલાડીઓ કોનેરુ હમ્પી, દ્રોણાવલિ હરિકા અને આર. વૈશાલીની હંગેરીની હરીફ સામેની ગેમ ડ્રૉ થઈ હતી, પરંતુ તાનિયાએ સોકા ગાલ સામેનો મુકાબલો ૨.૫-૧.૫થી જીતી લેતાં બે દેશ વચ્ચેની આ ટક્કર ભારતની તરફેણમાં રહી હતી.

ડેબ્યુમાં બ્રિયર્લી, ગૂચની વિકેટ લેનાર કાર્લસનનું નિધન

ઑસ્ટ્રેલિયા વતી ૧૯૭૯માં બે ટેસ્ટ અને ચાર વન-ડે રમનાર ઑલરાઉન્ડર ફિલ કાર્લસનનું ૭૦ વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેઓ ક્વીન્સલૅન્ડ ક્રિકેટના જાણીતા ખેલાડી હતા. એ સ્ટેટની ટીમ વતી તેમણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૯૧ મૅચમાં ૪૧૬૭ રન બનાવ્યા હતા. તેઓ બન્ને ટેસ્ટ ઇંગ્લૅન્ડ સામે રમ્યા હતા અને ડેબ્યુ ટેસ્ટના બીજા દાવમાં તેમણે કૅપ્ટન માઇક બ્રિયર્લી (૯ રન) અને ગ્રેહામ ગૂચ (૧૮)ની બહુમૂલ્ય વિકેટ લીધી હતી. નબળા ફૉર્મને લીધે ત્યાર પછી તેમને એક જ ટેસ્ટ અને ચાર વન-ડે રમવા મળી હતી. ચારમાંથી બે વન-ડેમાં તેમણે ગૂચને આઉટ કર્યા હતા.

બે સિરીઝ પહેલાં જ રબાડા ઈજાગ્રસ્ત

યુરોપના પ્રવાસે આવેલી સાઉથ આફ્રિકન ટીમના મુખ્ય ફાસ્ટ બોલર્સમાંના એક કૅગિસો રબાડાને ઘૂંટીની ઈજા થતાં તે આયરલૅન્ડ સામે આજે શરૂ થતી બે ટી૨૦ મૅચની સિરીઝમાં મોટા ભાગે નહીં રમે અને ત્યાર પછી ૧૭ ઑગસ્ટે ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ-સિરીઝ માટે પણ ડાઉટફુલ છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ટેબલ પર સાઉથ આફ્રિકા મોખરે છે અને આ સ્થાન જાળવી રાખવા એને માટે ઇંગ્લૅન્ડ સામેની શ્રેણી જીતવી ખૂબ જરૂરી છે.

 

sports news sports hockey chess kagiso rabada cricket news