ભારતનો ‘ગોલ્ડન ડે’

08 August, 2022 02:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીયોની ઝોળીમાં ઉમેરાયા બીજા સાત ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રૉન્ઝ મેડલ : બૉક્સિંગમાં ભારતીય મુક્કાબાજોની ગોલ્ડન હૅટ-ટ્રિક

મેન્સ ટ્રિપલ લૉન્ગ જમ્પમાં ભારતનો અલ્ધોસ પૉલ (ડાબે) ૧૭.૦૩ મીટર લાંબા કૂદકા સાથે ગોલ્ડ મેડલ અને ભારતનો જ અબદુલ્લા અબુબકર ૧૭.૦૨ મીટર જમ્પ સાથે સિલ્વર જીત્યો હતો. (તસવીર: એ.પી.)

બર્મિંગહૅમમાં શનિવારની સાંજથી ગઈ કાલની રાત સુધીમાં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓએ સાગમટે કમાલ દેખાડી હતી, જેમાં ભારતના ખાતે ૨૪ કલાકમાં ઓછામાં ઓછા સાત ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ અને ચાર બ્રૉન્ઝ મેડલ ઉમેરાયા હતા.

૨૦૧૮ની ઑસ્ટ્રેલિયા ખાતેની ૨૧મી કૉમનવેલ્થમાં ભારત ૨૬ ગોલ્ડ સહિત કુલ ૬૬ ચંદ્રકો સાથે ત્રીજા નંબર પર હતું. જોકે એમાં ૧૬ મેડલ શૂટિંગના હતા. ભારતનું એ રમતની હરીફાઈઓમાં વર્ચસ હતું, પરંતુ આ વખતે શૂટિંગની હરીફાઈ જ નથી રાખવામાં આવી. એમ છતાં, આ વખતે છેલ્લા દિવસોમાં ભારતીય ઍથ્લીટો અને ખેલાડીઓએ કમાલ દેખાડી છે.

બૉક્સર નીતુ ઘંઘાસે ફાઇનલમાં ઇંગ્લૅન્ડની ડેમીને ૫-૦થી હરાવી હતી

ગુજરાતનું ગૌરવ

પૅરા ટેબલ ટેનિસમાં ગુજરાતની ભાવિના પટેલ ગોલ્ડ મેડલ અને સોનલ પટેલ બ્રૉન્ઝ મેડલ જીતી છે. પુરુષોના ટ્રિપલ જમ્પમાં ભારતનો એલ્ધોસ પૉલ ગોલ્ડ મેડલ અને અબદુલ્લા અબુબાકર સિલ્વર મેડલ જીત્યો છે. મહિલા હૉકીમાં સવિતા પુનિયાના સુકાનમાં ભારતીય ટીમ બ્રૉન્ઝ જીતતાં ભારતને ૧૬ વર્ષે મેડલના મંચ પર આવવા મળ્યું છે.

નિખત, નીતુ, અમિતનાં ગોલ્ડ

બૉક્સિંગમાં નીતુ ઘંઘાસે ૪૮ કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ અને અમિત પંઘાલે ફ્લાઇવેઇટ ૫૧ કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. અમિતે ફાઇનલમાં ઇંગ્લૅન્ડના કિઆરેન મૅકડોનાલ્ડને ૫-૦થી હરાવી દીધો હતો. તેમના પછી વર્લ્ડ ચૅમ્પિયન નિખત ઝરીને લાઇટ ફ્લાઇવેઇટ ફાઇનલ નોર્ધર્ન આયરલૅન્ડની કાર્લી મૅકનૉલને ૫-૦થી હરાવીને જીતીને ભારતને બૉક્સિંગમાં સતત ત્રીજો ગોલ્ડ અપાવ્યો હતો.

અન્નુ રાની ભાલો ૬૦ મીટર દૂર ફેંકીને બ્રૉન્ઝ જીતી હતી.  (તસવીર : એ.પી.)

અન્નુ કૉમનવેલ્થમાં મહિલાઓની ભાલા ફેંકની હરીફાઈમાં બ્રૉન્ઝ જીતી છે. તે ભાલા ફેંકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય છે. મહિલા ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલા જરાક માટે બ્રૉન્ઝ ચૂકી ગઈ હતી, પરંતુ સંદીપકુમાર મેન્સ ૧૦,૦૦૦ મીટર રેસવૉકમાં બ્રૉન્ઝ જીત્યો હતો.

બૅડ્મિન્ટનમાં ગઈ કાલે પી. વી. સિંધુ અને લક્ષ્ય સેન ફાઇનલમાં પહોંચતાં ટોચના બેમાંના એક મેડલ પાકા કર્યા હતા. સિંધુએ સેમી ફાઇનલમાં સિંગાપોરની યેઓ જિઆ મિનને ૨૧-૧૯, ૨૧-૧૭થી હરાવી હતી અને કૉમનવેલ્થના પ્રથમ ગોલ્ડથી એક જ ડગલું દૂર હતી, જ્યારે લક્ષ્ય સેને સેમીમાં સિંગાપોરના જ જિઆ હેન્ગ તેહ સામે વચ્ચેના ગાળામાં નબળું રમ્યા બાદ ૨૧-૧૦, ૧૮-૨૧, ૨૧-૧૬થી જીત્યો હતો. શનિવારે રેસલિંગમાં ભારતીયોનું પ્રભુત્વ હતું. વિનેશ ફોગાટ લાગલગાટ ત્રણ વખત કૉમનવેલ્થની કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી. તે ૫૩ કિલો વર્ગની ફ્રીસ્ટાઇલ ફાઇનલમાં કૅનેડાની સામન્થા સ્ટુઅર્ટ સામેનાં ત્રણેય બાઉટ આસાનીથી જીતી હતી. શનિવારે પુરુષોમાં રવિ દહિયા ૫૭ કિલો કૅટેગરીમાં નાઇજિરિયાના એબિકેવેનિમો વેલ્સનને હરાવી દીધો હતો.

રેસલિંગમાં ભારતીયો આ વખતે કુલ ૧૨ મેડલ જીત્યા છે.

 

sports news sports boxing