બૅડ્‍મિન્ટનથી ભારતનો બેડો પાર

09 August, 2022 03:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સિંધુ અને લક્ષ્ય સિંગલ્સમાં, ચિરાગ-સાત્વિક ડબલ્સમાં જીત્યા ગોલ્ડ : શ્રીકાંત, ગાયત્રી-જૉલીએ અપાવ્યા બ્રૉન્ઝ

લક્ષ્ય સેન અને પી વી સિંધુ

કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે વેઇટલિફ્ટિંગને કારણે અસરદાર શરૂઆત કર્યા પછી હવે બૅડ્‍મિન્ટનની મદદથી છેલ્લા તબક્કામાં ધમાકો મચાવ્યો અને મેડલ-વિજેતા બૅડ્મિન્ટનના ખેલાડીઓને કારણે જ ભારતે મેડલ-ટેબલમાં ટોચનાં સ્થાનોમાં પોતાની હાજરી મજબૂત બનાવી હતી. ભારતે પહેલી વાર કૉમનવેલ્થમાં બૅડ્‍મિન્ટનમાં સિંગલ્સના ગોલ્ડ મેડલ જીતી લીધા છે. મહિલા સિંગલ્સમાં પી. વી. સિંધુએ ફાઇનલમાં કૅનેડાની મિશેલ લીને ૨૧-૧૫, ૨૧-૧૩થી હરાવીને પહેલો કૉમનવેલ્થ ગોલ્ડ જીતી લીધો હતો.

પહેલી વાર કૉમનવેલ્થમાં રમતા ૨૦ વર્ષના લક્ષ્ય સેને મલેશિયાના એન્ગ ત્ઝે યૉન્ગ સામે શરૂઆતના સંઘર્ષ બાદ છેવટે તેને ૧૯-૨૧, ૨૧-૯, ૨૧-૧૬થી હરાવી દીધો હતો. લક્ષ્યની વિશ્વમાં ૧૦મી અને યૉન્ગની ૪૨મી રૅન્ક છે.

મેન્સ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી અને સત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડીની ભારતીય જોડીએ મેન્સ ડબલ્સની ફાઇનલમાં યજમાન ઇંગ્લૅન્ડના બેન લેન અને શૉન મેન્ડીને ૨૧-૧૫, ૨૧-૧૩થી હરાવીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. બ્રિટિશ ટીમને સિલ્વર મેડલ મળ્યો હતો.

ભારત બૅડ્‍મિન્ટનમાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર, બે બ્રૉન્ઝ સાથે સફળ પુરવાર થયું છે. સિલ્વર મેડલ ટીમ ચૅમ્પિયનશિપમાં મળ્યો છે.

બૅડ્‍મિન્ટનમાં ભારતને બે બ્રૉન્ઝ અપાવનારાઓમાં કિદામ્બી શ્રીકાંત અને મહિલા ડબલ્સની જોડી ગાયત્રી ગોપીચંદ-ટ્રીસા જૉલીનો સમાવેશ છે. વર્લ્ડ ચૅમ્પિયનશિપના સિલ્વર મેડલિસ્ટ શ્રીકાંતે રવિવારે સિંગલ્સની મૅચમાં સિંગાપોરના જિઆ હેન્ગ તેહને ૨૧-૧૫, ૨૧-૧૮થી હરાવીને બ્રૉન્ઝ જીતી લીધો હતો. મહિલા ડબલ્સની બ્રૉન્ઝ-મેડલ મૅચમાં ગાયત્રી-જૉલીની જોડીએ ઑસ્ટ્રેલિયાની વેન્ડી ચેન અને ગ્રૉન્યા સમરવિલને ૨૧-૧૫, ૨૧-૧૮થી પરાજિત કરી હતી.

sports news sports pv sindhu badminton news