તામિલનાડુનાં માતા-પુત્ર હૉન્ગકૉન્ગથી ચેસ ઑલિમ્પિયાડમાં રમવા આવ્યાં

03 August, 2022 12:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હૉન્ગકૉન્ગથી રમવા આવેલા બે ખેલાડીઓ પણ મૂળ ભારતના જ છે

હૉન્ગકૉન્ગના ખેલાડીઓના સંઘના વડા પેરિચિયાપ્પન (ડાબે) તેમનાં ચેસ પ્લેયર્સ પત્ની અને પુત્ર સાથે ચેસ ઑલિમ્પિયાડમાં

તામિલનાડુમાં ચેન્નઈ નજીક મહાબલિપુરમમાં રમાતી ૪૪મી ચેસ ઑલિમ્પિયાડમાં ભારતના ૩૦ ખેલાડીઓ રમી રહ્યા છે એવું નથી, હૉન્ગકૉન્ગથી રમવા આવેલા બે ખેલાડીઓ પણ મૂળ ભારતના જ છે.

વાત એમ છે કે કન્નપ્પન ફૅમિલી મૂળ તામિલનાડુના મદુરાઈ શહેરનું છે. એમાંના પેરિચિયાપ્પન હૉન્ગકૉન્ગના સંઘના વડા છે, જ્યારે તેમનાં પત્ની કે. સિગપ્પી તથા ૧૩ વર્ષનો પુત્ર થન્નીરામલાઈ ચેસ ઑલિમ્પિયાડમાં રમી રહ્યાં છે.

હૉન્ગકૉન્ગ ચેસ ફેડરેશનના ખજાનચી અને ફાંકડું તામિલ બોલતા પેરિચિયાપ્પન એક મુલાકાતમાં કહે છે, ‘મારો અને મારી પત્નીનો ઉછેર મદુરાઈમાં થયો હતો. ૨૦૦૫માં અમે હૉન્ગકૉન્ગમાં સ્થાયી થયાં હતાં અને ૧૭ વર્ષથી ત્યાં રહીએ છીએ.’

સિગપ્પી મહિલા ચેસમાં ફિડે માસ્ટર છે. તેઓ ચેસનાં કોચ છે અને કોચિંગમાં બ્રેક લઈને તામિલનાડુ આવ્યાં છે. ૨૦૧૬માં તેમણે અઝરબૈજાન ચેસ ઑલિમ્પિયાડમાં ભાગ લીધો હતો. ટીનેજર થન્નીરામલાઈએ તેની મમ્મીની પ્રેરણાથી જ ચેસ રમવાની શરૂઆત કરી હતી. ૨૦૧૮માં તે કેટલીક ટુર્નામેન્ટમાં જીત્યો હતો અને ત્યારથી તેનામાં આત્મવિશ્વાસ પણ વધ્યો છે. ૧૩ વર્ષની નાની ઉંમરે ચેસ ઑલિમ્પિયાડ જેવી મોટી ઇવેન્ટમાં ભાગ લેવા મળળ્યું એને થન્નીરામલાઈ ગૌરવ માને છે.

sports news sports chess tamil nadu hong kong