મૅસન માઉન્ટે નૉરિચ સિટીની ટીમને છેક સુધી હંફાવીને ત્રણ ગોલ કર્યા હતા

25 October, 2021 03:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચેલ્સી ૭-૦થી જીaત્યું : મૅન્ચેસ્ટર સિટીએ પણ સ્ટ્રાઇકર વગર મેળવ્યો વિજય

મૅસન માઉન્ટ

ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં શનિવારે બે મુખ્ય ટીમોએ પોતાના સ્ટ્રાઇકર્સ વિના મોટા માર્જિનથી વિજય મેળવ્યો હતો. ચેલ્સી વતી રૉમેલુ લુકાકુ અને ટિમો વર્નર ઈજાને કારણે નહોતા રમ્યા છતાં ચેલ્સીએ આ સીઝનનો સૌથી મોટો વિજય મેળવ્યો હતો જેમાં એણે નૉરિચ સિટીની ટીમને ૭-૦થી હરાવી હતી. મૅન્ચેસ્ટર સિટીની ટીમ પણ ઇપીએલના ટાઇટલ માટે ફેવરિટ ગણાય છે અને એણે બ્રાઇટનની ટીમને ૪-૧થી પરાજિત કરી હતી. આમ એ બે મોટી ટીમોએ પોતાના રેગ્યુલર સ્ટ્રાઇકર્સની ગેરહાજરીમાં કુલ ૧૧ ગોલ કર્યા હતા.

ચેલ્સી વતી મૅસન માઉન્ટે ઉપરાઉપરી ત્રણ ગોલ (૮, ૮૫, ૯૧મી મિનિટે) કરીને હૅટ-ટ્રિક નોંધાવી હતી. કૅલમ હડસન, રીસ જેમ્સ, બેન શિલવેલ અને મૅક્સ ઍરોન્સે એક-એક ગોલ કર્યો હતો. નૉરિચ સિટી વતી એક પણ ગોલ નહોતો થયો. વર્તમાન સીઝનમાં ચેલ્સી વતી કુલ ૧૬ પ્લેયરોએ એક કે વધુ ગોલ કર્યા છે. ચેલ્સીની ટીમ મૅન્ચેસ્ટર સિટીથી બે પૉઇન્ટ આગળ છે.

અન્ય સ્પર્ધાઓમાં શું બન્યું?

૧. ઇટલીની સેરી-એ લીગમાં એસી મિલાને ઇસ્માઇલ બેનેસરના ૮૪મી મિનિટના અને ઝ્લાટન ઇબ્રાહિમોવિચના ૯૦મી મિનિટના ગોલની મદદથી બોલોગ્નાની ટીમને ૪-૨થી પરાજિત કરી હતી. બે ખેલાડીઓને રેડ કાર્ડ અપાતાં બોલોગ્નાની ટીમમાં ૯ પ્લેયરો થઈ ગયા હતા. સાસ્સુઓલોએ વેનેઝિયાને ૩-૧થી હરાવી હતી.

૨. ફ્રેન્ચ લીગમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન લિલ ટીમે બ્રેસ્ટ સામેની મૅચ ૧-૧થી ડ્રૉ થતાં વધુ પૉઇન્ટ ગુમાવ્યા હતા. મૅચના બન્ને ગોલ ફર્સ્ટ હાફમાં થયા હતા. લિલની ટીમ ગ્રુપની અવ્વલ ટીમ પીએસજી કરતાં ૧૨ પૉઇન્ટ પાછળ છે. નૉન્ટ ટીમે ક્લેરમૉન્ટને ૨-૧થી હરાવી હતી.

૩. અમેરિકાની મેજર લીગ સોકર (એમએલએસ) નામની સ્પર્ધામાં ઇન્ટર માયામીએ એફસી સિનસિનાટીની ટીમને ૫-૧થી પરાજિત કરી હતી. માયામીની ટીમે પાંચમાંથી ચાર ગોલ સેકન્ડ હાફમાં કર્યા હતા.

૪. સ્પેનની લા લીગા સ્પર્ધામાં વિલારિયલે ઍથ્લેટિક ક્લબ સામે ૧-૨થી હાર જોવી પડી હતી. વિજેતા ટીમ વતી રાઉલ ગાર્સિયાએ ૧૪મી મિનિટમાં અને ઇકર મુનૈને ૭૭મી મિનિટમાં પેનલ્ટીથી ગોલ નોંધાવ્યો હતો.

sports sports news