ચેસમાં ચીટિંગ : કાર્લસેન કહે છે, ‘હું નીમન સાથે ફરી નહીં રમું’

28 September, 2022 12:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચેસમાં છેતરપિંડી કોઈ નવી વાત નથી

મૅગ્નસ કાર્લસેન અને હૅન્સ નીમન

ચેસનો વર્લ્ડ નંબર-વન અને વિશ્વવિજેતા ખેલાડી નૉર્વેનો ૩૧ વર્ષનો મૅગ્નસ કાર્લસેન તાજેતરમાં ભારતના ૧૭ વર્ષના અર્જુન ઇરિગૈસીને ફાઇનલ રાઉન્ડમાં હરાવીને મેલ્ટવૉટર ચૅમ્પિયન્સ ચેસ ટૂરમાં ચૅમ્પિયન બન્યો એના બીજા જ દિવસે તેણે (કાર્લસેને) ત્રીજા રાઉન્ડમાં અમેરિકાના ચેસ-સ્ટાર હૅન્સ નીમન સાથેની ગેમમાં નીમને છેતરપિંડી કરી હોવાનો જે આક્ષેપ કર્યો હતો એ વિશે ગઈ કાલે વધુ વાતો ખુલ્લી પાડી હતી. કાર્લસેને એક જ ચાલ ચાલ્યા પછી એ ગેમ છોડી દીધી હતી. બે અઠવાડિયાં પહેલાં પણ કાર્લસેને નીમન સામેની એક ગેમ અધવચ્ચે છોડી દીધી હતી.

કાર્લસેને સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં નીમન સામે વધુ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ‘ચેસમાં ચીટિંગ કોઈ નાનીસૂની વાત ન કહેવાય, મોટી સમસ્યા કહેવાય. ચેસની રમત માટે છેતરપિંડી ખતરો બની શકે. ચેસમાં ચીટિંગ કરતા લોકોને પ્રકાશમાં લાવવા આયોજકોએ વધુ ચાંપતી નજર રાખવાની જરૂર છે. મને ખબર છે કે તાજેતરમાં નીમને ગુપ્ત રીતે વધુ ને વધુ લોકો સાથે ચીટિંગ કરી છે. તેણે ચેસની રમતમાં ઘણી પ્રગતિ કરી છે અને બે અઠવાડિયાં પહેલાંના મુકાબલામાં મેં જોયું કે નીમન રમતી વખતે જરા પણ તંગ નહોતો લાગ્યો. ગમેએવી કટોકટીમાં પણ તે નિ​​શ્ચિંત લાગ્યો હતો. તેણે મને કાળા મહોરા સાથે જે રીતે હરાવ્યો એવું અગાઉ બહુ ઓછા લોકો કરી શક્યા છે, પરંતુ નીમન જે રીતે મારી સાથે એ ગેમ જીત્યો એટલે મારો તેના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો હતો.’

કાર્લસેન પાસે નીમને કરેલી કથિત ચીટિંગનો નક્કર પુરાવો તો નથી, પરંતુ તેણે ફરી નીમન સાથે ન રમવાનું નક્કી કરી લીધું છે. તેણે પોસ્ટમાં લખ્યું કે ‘ચીટર્સ ભવિષ્યમાં શું કરે એ અત્યારથી કળી ન શકાય, એટલે હું તો (નીમન જેવા) વારંવાર ચીટિંગ કરનારાઓ સાથે ભવિષ્યમાં નથી રમવાનો. તેઓ (છેતરપિંડીવાળી) કોઈક ચાલ તો ચાલતા જ હોય છે. ચીટિંગ સામે પગલાં લેવાં જોઈએ. આશા રાખું છું કે આ બાબતમાં સત્ય બહાર આવશે જ.’

ચેસમાં છેતરપિંડી કોઈ નવી વાત નથી

ચેસની રમતમાં છેતરપિંડી કોઈ નવી વાત નથી, પણ સ્માર્ટફોન આવ્યા પછી આ ચીટિંગ આસાન થઈ ગઈ છે. સારામાં સારી ચેસ ઍપ (જેમાંની ઘણી મફતમાં ઉપલબ્ધ હોય છે) ચાલ ચાલવામાં ટોચના ખેલાડીઓ કરતાં પણ સ્ટ્રૉન્ગ હોય છે. ઍપમાં ગેમ્સ ઇન્પુટ કરવાથી કમ્પ્યુટર તરત જ પર્ફેક્ટ ચાલની સૌથી નજીકમાં હોય એવી ચાલ સૂચવે છે. જોકે એ માટે ઓવર-ધ-બોર્ડ ગેમમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની મનાઈ હોય છે. જોકે છેતરપિંડી કરનારાઓ પાસે ૧૦ નવા રસ્તા હોય છે. એક મુકાબલામાં એક ખેલાડીએ ફોન પગમાં ભરાવ્યો હતો અને માઇક્રો ઇયરપીસની મદદથી કેવી ચાલ ચાલવી જોઈએ એની ટિપ્સ મેળવતો હતો.

sports sports news chess world chess championship