રોનાલ્ડોએ વિનિંગ ગોલથી તમામ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી

22 October, 2021 04:39 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચૅમ્પિયન્સ લીગમાં તેના ૮૧મી મિનિટના આક્રમણ સાથે એમયુનો ઍટલાન્ટા સામે ૩-૨થી વિજય

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

સુપરસ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ચૅમ્પિયન્સ લીગમાં બુધવારે મૅન્ચેસ્ટર યુનાઇટેડને ઍટલાન્ટા સામેની મૅન્ચેસ્ટર ખાતેની અત્યંત રોમાંચક મૅચમાં ૮૧મી મિનિટના ગોલથી જિતાડીને છેલ્લા સમયથી પોતાની ટીકા કરી રહેલા લોકોની બોલતી બંધ કરી દીધી હતી.

નૉર્વેના ભૂતપૂર્વ ખેલાડી ઉલે ગિનાર સૂલશાટ હાલમાં એમયુના કોચ છે. તેમણે પણ રોનાલ્ડોના આ પર્ફોર્મન્સથી પ્રભાવિત થઈને મીડિયામાં કહ્યું હતું કે ‘જે લોકોને રોનાલ્ડોની ટીકા કરવાનું હજી પણ મન થાય તેઓ ઍટલાન્ટા સામેની મૅચનો વિડિયો

જોઈ લે.’

ગ્રુપ ‘એફ’માં એમયુની ટીમ ફરી પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે થઈ ગઈ છે. ઍટલાન્ટાએ પહેલી ૩૦ મિનિટની અંદર ૨-૦થી સરસાઈ લીધી ત્યાર પછી એમયુના માર્ક્સ રૅશફર્ડે ૫૩મી મિનિટમાં અને હૅરી મૅગ્વાયરે ૭૫મી મિનિટમાં ગોલ કરીને સ્કોર સમાન કરી આપ્યો હતો. મૅચ ડ્રૉમાં જાય એવી પાકી સંભાવના હતી, પરંતુ મૅચને ૯ મિનિટ બાકી હતી ત્યારે રોનાલ્ડો ત્રાટક્યો અને એમયુને ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે સતત બીજી મૅચમાં એક્સાઇટિંગ જીત અપાવી હતી.

ચેલ્સીની જીત, પણ બે પ્લેયરને ઈજા

ચૅમ્પિયન્સ લીગના ગયા વખતની વિજેતા ટીમ ચેલ્સીએ મૅલ્મો સામે ૪-૦થી શાનદાર વિજય મેળવ્યો હતો, પરંતુ ઈજાને કારણે બે ખેલાડીઓ રૉમેલુ લુકાકુ અને ટિમો વર્નર ગુમાવ્યા હતા.

અન્ય મૅચોમાં શું બન્યું?

યુવેન્ટ્સે ઝેનિટને ૧-૦થી, બાયર્ને બેન્ફિકાને ૪-૦થી અને વિલ્લારિયલે યંગ બૉય્‍સ ની ટીમને ૪-૧થી પરાજિત

કરી હતી. બાર્સેલોનાએ ડાયનેમો કીવની ટીમને ૧-૦થી હરાવી હતી.

1

ફિફાના રૅન્કિંગમાં બેલ્જિયમ હજી પણ આટલામી રૅન્ક પર છે. બ્રાઝિલ બીજા નંબર પર અને વર્લ્ડ ચૅમ્પિયન ફ્રાન્સ ત્રીજા સ્થાને છે.

ફિફા વર્લ્ડ કપનો ડ્રૉ પહેલી એપ્રિલે

આવતા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં કતારમાં યોજાનારા ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ માટેનો ટુર્નામેન્ટ ડ્રૉ આગામી પહેલી એપ્રિલે જાહેર કરવામાં આવશે, કારણ કે ૩૨માંથી બે ક્વૉલિફાઇંગ ટીમ હજી કઈ છે એ કોવિડ મહામારીને લીધે વિલંબમાં મુકાયેલા મૅચ-શેડ્યુલને કારણે હજી નક્કી નથી થઈ શક્યું. ૨૦૨૨ના ફિફા વર્લ્ડ કપ માટે હજી ત્રણ જ ટીમ ક્વૉલિફાય થઈ છે. એમાં જર્મની, ડેન્માર્ક અને યજમાન કતારનો સમાવેશ છે.

એમયુની હરીફ ટીમને ૬ ફાયર અલાર્મથી ખલેલ પહોંચેલી?

મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ની ટીમ સામેની બુધવારની મૅચમાં પરાજિત થયેલી ઍટલાન્ટા ટીમના મિડફીલ્ડર રૉક્સેના મૅલિનોવ્સ્કીની પત્નીએ મૅચ પછી ઇન્સ્ટાગ્રામ પર નારાજગી વ્યક્ત કરતાં અને આક્ષેપમાં લખ્યું હતું કે ‘આ ઇટાલિયન ક્લબની મૅચમાં એના ખેલાડીઓ પૂરી ક્ષમતાથી ન રમી શકે એ હેતુથી તેમની સાથે મજાક કરવાના આશયથી વહેલી સવારે તેમની હોટેલમાં જાણીજોઈને ૬ વખત ફાયર અલાર્મ વગાડવામાં આવી હતી. આગ જેવા કોઈ પણ કારણ વગર આ અલાર્મ સવારે ૪.૫૧ વાગ્યે, ૫.૦૦ વાગ્યે, ૫.૩૬ વાગ્યે, ૬.૧૧ વાગ્યે, ૬,૩૧ વાગ્યે અને ૭.૧૩ વાગ્યે વગાડવામાં આવી હતી.

બાયર્નની ટીમના કોચ કોરોનાગ્રસ્ત

ચૅમ્પિયન્સ લીગની બાયર્ન મ્યુનિક ટીમના કોચ જુલિયન નૅગલ્સમને સોમવારે મ્યુનિકમાં પ્રૅક્ટિસ દરમ્યાન પોતાના ખેલાડીઓને તેમ જ મેદાનના આયોજકોને મદદ કરી હતી. જોકે પછીના દિવસે જુલિયનનો કોવિડને લગતો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. બાયર્ને બુધવારે બેન્ફિકા ટીમ સામે ૪-૦થી જે જીત મેળવી એ મૅચ જુલિયન નહોતા જોઈ શક્યા.

sports sports news cricket news