કૅમેરુન આફ્રિકા કપની પ્રી-ક્વૉર્ટરમાં પહોંચેલી પ્રથમ ટીમ

15 January, 2022 03:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ઇંગ્લિશ ફુટબૉલ લીગમાં સેમી ફાઇનલ રાઉન્ડના પ્રથમ તબક્કામાં આર્સેનલના ૧૧ને બદલે ૧૦ ખેલાડીઓ થઈ જવા છતાં એણે લિવરપુલ સાથેની મૅચ ૦-૦થી ડ્રૉ કરવામાં સફળતા મેળવી હતી

કૅમેરુનમાં બુધવારે ઇથોપિયા સામેની મૅચમાં પોતાનો બીજો ગોલ કર્યા પછી કૅમેરુનનો સુકાની અબુબાકર. તેણે કુલ બે ગોલ કર્યા હતા. (તસવીર : એ.પી.)

આફ્રિકા ખંડના ૨૪ દેશોની ટીમો વચ્ચે રમાતા આફ્રિકા કપ ઑફ નેશન્સમાં યજમાન કૅમેરુને ગુરુવારે ઇથોપિયાને ૪-૧થી કચડીને ટોચની ૧૬ ટીમના ગ્રુપમાં પ્રવેશ કર્યો હતો. આ વખતની સીઝનમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલ તરીકે ઓળખાતા આ ગ્રુપમાં પહોંચનારો કૅમેરુન પ્રથમ દેશ છે. ઇથોપિયાએ ચોથી જ મિનિટમાં એક ગોલથી ૧-૦ની સરસાઈ મેળવી ત્યાર પછી કૅમેરુન વતી કાર્લ ટોકો-એકામ્બી (૮ અને ૬૭મી મિનિટ) તથા કૅપ્ટન વિન્સેન્ટ અબુબાકરે (૫૩ અને ૫૫મી મિનિટ) બે-બે ગોલ કર્યા હતા.
આર્સેનલ-લિવરપુલની ૦-૦થી ડ્રૉ
ગઈ કાલે ઇંગ્લિશ ફુટબૉલ લીગમાં સેમી ફાઇનલ રાઉન્ડના પ્રથમ તબક્કામાં આર્સેનલના ૧૧ને બદલે ૧૦ ખેલાડીઓ થઈ જવા છતાં એણે લિવરપુલ સાથેની મૅચ ૦-૦થી ડ્રૉ કરવામાં સફળતા મેળવી હતી. આર્સેનલના ગ્રૅનિટ હાકાને ૨૪મી મિનિટમાં એક ફાઉલ બદલ રેડ કાર્ડ બતાવાયું હતું. આ જ કપની બીજી સેમીના પ્રથમ તબક્કામાં ચેલ્સીએ ટૉટનમને ૨-૦થી, જ્યારે સેમીના બીજા તબક્કામાં ટૉટનમે ચેલ્સીને ૧-૦થી માત આપી હતી.
કોપા ઇટાલિયામાં ફ્લૉરેન્ટિના વિજયી
કોપા ઇટાલિયા નામની સ્પર્ધામાં ગુરુવારે ફ્લૉરેન્ટિનએ નૅપોલી ક્લબની ટીમને ૫-૨થી પરાજિત કરી હતી. વિજેતા ટીમના એક ખેલાડીને સેકન્ડ હાફ પહેલાં રેડ કાર્ડ બતાવાતાં એ ટીમ ૧૦ ખેલાડીઓથી રમી હતી, છતાં સેકન્ડ હાફના ચાર ગોલની મદદથી જીતી ગઈ હતી. જોકે પરાજિત ટીમના બે પ્લેયરને રેડ કાર્ડ બતાવાયા હતા.
આ જ સ્પર્ધામાં ગઈ કાલે મિલાને ગેનોઆને ૩-૧થી પરાજિત કરી હતી.

sports sports news