ભારતની ડબલ્સની જોડીનો લાગલગાટ ચોથો ઐતિહાસિક મેડલ

27 August, 2022 12:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ ત્રણ ચંદ્રક જીત્યા બાદ હવે ટોક્યોની બૅડ્‍મિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપના પ્રથમ ભારતીય મેડલ પર કર્યો કબજો, સેમીમાં પહોંચ્યા : જોકે સિંગલ્સમાં પ્રણોય હાર્યો

ટોક્યોમાં ગઈ કાલે વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સની ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં યજમાન જપાનના હરીફોને હરાવ્યા પછી ખુશખુશાલ ચિરાગ શેટ્ટી (આગળ) અને સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી. (તસવીર : એ.પી./પી.ટી.આઇ.)

ભારતીય બૅડ્‍મિન્ટનમાં અને એમાં પણ ખાસ કરીને મેન્સ ડબલ્સમાં સુવર્ણકાળ ચાલી રહ્યો છે. સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી જોડીમાં રમીને ૨૦૨૨માં ઉપરાઉપરી ચાર ઐતિહાસિક મેડલ જીત્યા છે.

ગઈ કાલે સાત્વિક-ચિરાગ બૅડ્મિન્ટનની વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય જોડી બની હતી. તેમની જોડી વિશ્વમાં સાતમા નંબરે છે. તેમણે ગઈ કાલે ટોક્યોમાં જપાનના હરીફો અને ગયા વર્ષના વિજેતા તાકુરો હોકી અને યુગો કોબાયાશીની જોડીને ક્વૉર્ટર ફાઇનલમાં ૨૪-૨૨, ૧૫-૨૧, ૨૧-૧૪થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એ સાથે તેમણે એક મેડલ પાકો કરી લીધો છે.

સાત્વિક-ચિરાગે આ વર્ષની શરૂઆતમાં ઇન્ડિયા ઓપનમાં ભારતને પહેલું ડબલ્સનું ચૅમ્પિયનપદ અપાવ્યું હતું. મે મહિનામાં થોમસ કપમાં પણ જોડીમાં વિજેતાપદ મેળવ્યા બાદ તેમણે આ મહિનાની શરૂઆતમાં કૉમનવેલ્થ ગેમ્સમાં ડબલ્સનો ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે ઇતિહાસ રચ્યો હતો.

વર્લ્ડ ચૅમ્પિયન બની શકે
સાત્વિક-ચિરાગનો વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સનો મેડલ ભારત માટે પુરુષોમાં પ્રથમ મેડલ કહેવાશે. જો તેઓ ફાઇનલ જીતી જશે તો ડબલ્સમાં વર્લ્ડ ચૅમ્પિયન જોડી કહેવાશે.

ભારતને મળ્યા કુલ ૧૩ મેડલ
મહિલાઓમાં જ્વાલા ગુટ્ટા અને અ​શ્વિની પોનપ્પાની જોડી ૨૦૧૧માં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. એકંદરે આ વિશ્વસ્પર્ધામાં ભારતનો આ ૧૩મો ચંદ્રક કહેવાશે. સિંગલ્સમાં ભારતને કુલ ૧૧ મેડલ અપાવનારાઓમાં પી. વી. સિંધુ (એક ગોલ્ડ સહિત કુલ પાંચ મેડલ), સાઇના નેહવાલ (બે મેડલ), કિદામ્બી શ્રીકાંત (૧), લક્ષ્ય સેન (૧), બી. સાઇ પ્રણીત (૧) અને પ્રકાશ પદુકોણ (૧)નો સમાવેશ છે.

પ્રણોય ચીની હરીફને હંફાવીને હાર્યો
પુરુષોની સિંગલ્સમાં ગુરુવારે લક્ષ્ય સેનને હરાવનાર ભારતનો એચ. એસ. પ્રણોય ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં ચીનના ઝાઓ જુન પેન્ગને ખૂબ હંફાવ્યા બાદ હારી ગયો હતો. પ્રણોયે પહેલી ગેમ ૨૧-૧૯થી જીતી લીધી ત્યાર પછી બીજી ગેમમાં તેનો ૬-૨૧થી પરાજય થયો હતો. જોકે ત્રીજી ગેમમાં પ્રણોયે ચીની હરીફને ઘણો સંઘર્ષ કરાવ્યો હતો અને છેવટે ૧૮-૨૧થી પરાજિત થયો હતો. આમ, પ્રણોયની ૧-૨થી હાર થઈ હતી. ભારતના એમ. આર. અર્જુન અને ધ્રુવ કપિલાની બીજી મેન્સ જોડી હારી ગઈ હતી.

"મેં અને ચિરાગ શેટ્ટીએ જોડીમાં રમીને આ વર્ષમાં ઘણા મેડલ્સ મેળવવાનું સપનું સેવ્યું હતું. અમારું સપનું આ ચોથા મેડલ સાથે અક્ષરશઃ સાચું પડ્યું છે. આ ડ્રીમ-યર બદલ હું એટલો બધો ખુશ છું કે એ ખુશીને શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી." : સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી

સાત્વિક-ચિરાગના ડબલ્સના ચાર ઐતિહાસિક મેડલ
કઈ સ્પર્ધા?    ક્યારે?    શું જીત્યા?
ઇન્ડિયા ઓપન    જાન્યુઆરી ૨૦૨૨    ચૅમ્પિયન
થોમસ કપ    મે ૨૦૨૨    ચૅમ્પિયન
કૉમનવેલ્થ ગેમ્સ    ઑગસ્ટ ૨૦૨૨    ગોલ્ડ
વર્લ્ડ ચૅમ્પિયનશિપ    ઑગસ્ટ    મેડલ (હવે નક્કી થશે)

sports sports news badminton news