30 January, 2026 11:33 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ગયા અઠવાડિયે બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ પોતાની સરકારની સલાહ પર કાર્ય કરી ભારત ન જવાનો નિર્ણય કરીને T20 વર્લ્ડ કપની ભાગીદારી ગુમાવી હતી. બંગલાદેશી મેન્સ ક્રિકેટ ટીમને ભારત ન મોકલવા પાછળ પ્લેયર્સની સુરક્ષાને ખતરો હોવાનું કારણ આપવામાં આવ્યું હતું. જોકે હવે બંગલાદેશ સરકારે ચોંકાવનારો નિર્ણય લઈને પોતાની નિર્ણય-ક્ષમતા પર મોટા સવાલો ઊભા કરી દીધા છે.
બંગલાદેશ સરકારે એના શૂટર્સને બીજી ફેબ્રુઆરીથી નવી દિલ્હીમાં શરૂ થનારી એશિયન શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મંજૂરી આપી છે. બે સભ્યોની ટીમ ૩૧ જાન્યુઆરીએ નવી દિલ્હી પહોંચે એવી અપેક્ષા છે. બંગલાદેશના યુવા અને રમતગમત સચિવ મહબૂબ-ઉલ-આલમે કહ્યું હતું કે ‘ફક્ત એક શૂટર અને એક કોચ મુસાફરી કરી રહ્યા છે. સ્થળ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને દર્શકોની ભાગીદારી ખૂબ જ મર્યાદિત છે. યજમાનોએ પણ અમને ખાતરી આપી છે કે સુરક્ષાને કોઈ ખતરો નથી. શૂટિંગ મર્યાદિત દર્શકો સાથેની ઇન્ડોર રમત છે.’