ઑસ્ટ્રેલિયાની સ્વિમરે તોડ્યો વર્લ્ડ રેકૉર્ડ

14 June, 2021 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅકસ્ટ્રોકની ટ્રાયલ દરમ્યાન ૫૭.૪૫ સેકન્ડમાં કાપ્યું ૧૦૦ મીટરનું અંતર

કૅઇલી મૅકકીઓન

ઑલિમ્પિક ટ્રાયલ દરમ્યાન ઑસ્ટ્રેલિયાની સ્વિમર કૅઇલી મૅકકીઓને બૅકસ્ટ્રોક સ્પર્ધામાં ૧૦૦ મીટરનો નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. ૧૦ મહિના પહેલાં તેના પિતાનું નિધન થયું હતું અને ત્યારે જ તેણે આવો કોઈ આ રેકૉર્ડ બનાવવાનો નિર્ધાર કર્યો હતો.

અમેરિકાના રિગન સ્મિથે ૨૦૧૯માં બનાવેલા ૫૭.૫૭ સેકન્ડના રેકૉર્ડને તોડતાં ૧૯ વર્ષની મૅકકીઓને સાઉથ ઑસ્ટ્રેલિયાના એક્વેટિક સેન્ટરમાં ૫૭.૪૫ સેકન્ડમાં આ અંતર કાપ્યું હતું. મૅકકીઓનના ​પિતાનું ગયા વર્ષે ઑગસ્ટમાં બ્રેઇન કૅન્સરને કારણે નિધન થયું હતું. તેણે કહ્યું હતું કે ‘કોરોના અને પિતાના અવસાનને કારણે મારામાં કંઈક કરવાની ઉત્કંઠા ખૂબ જ વધી ગઈ હતી. મને લાગતું હતું કે હું ધરતી પર ચાલી શકું છું, વાત કરી શકું છું એ મારું સદ્ભાગ્ય છે. આ બધી સિદ્ધિ મેં મારા માટે નહીં, પરંતુ મારા પરિવાર માટે મેળવી.’ રવિવારની ટ્રાયલ પહેલાં જ તેના કોચ ​ક્રિસ મુનીએ કહ્યું હતું કે વર્લ્ડ રેકૉર્ડને ધ્યાનમાં રાખજે. મૅકકીઓને કહ્યું હતું કે હું વૉર્મઅપ માટે ગઈ એ પહેલાં જ તેમણે કહ્યું, મને તારામાં વિશ્વાસ છે. તેમને ખબર હતી કે આજે કંઈક સ્પેશ્યલ થવાનું છે. 

sports news sports