નડાલ ૨૧મા ઐતિહાસિક ટાઇટલથી ત્રણ ડગલાં દૂર

24 January, 2022 12:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ૨૮ મિનિટનો ટાઇ-બ્રેક જીતીને ૧૪મી ક્વૉર્ટરમાં પહોંચી ગયો : બાર્ટી પણ લાસ્ટ-એઇટમાં

જેસિકા પેગુલા ગઈ કાલે મારિયા સકારી સામે આસાનીથી જીતી હતી (તસવીર : એ.પી.)

સ્પેનનો રાફેલ નડાલ ૨૧મા ઐતિહાસિક ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ ટાઇટલથી હવે માત્ર ત્રણ ડગલાં દૂર છે. ગઈ કાલે મેલબર્નમાં તે ઑસ્ટ્રેલિયન ઓપનની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ફ્રાન્સના લેફ્ટ-હૅન્ડર ઍડ્રિયન મેનરિનોને ૭-૬ (૧૬-૧૪), ૬-૨, ૬-૨થી જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો. નડાલ આ સ્પર્ધાની ૧૪મી વખત ક્વૉર્ટરમાં પહોંચનારો જૉન ન્યુકૉમ્બ પછીનો બીજો ખેલાડી છે. જોકે રૉજર ફેડરર ૧૫ વાર ક્વૉર્ટરમાં પહોંચ્યો છે.
સિક્સ્થ-સીડેડ નડાલ ગઈ કાલે પ્રથમ સેટમાં ૨૮ મિનિટ અને ૪૦ સેકન્ડ સુધી ચાલેલો ટાઇ-બ્રેક જીતીને એ મૅરેથૉન સેટ ૧૬-૧૪થી જીત્યો હતો અને પછી થાકેલો ઍડ્રિયન તેની સામે બાકીના બે સેટ ૨-૬, ૨-૬થી હારી બેઠો હતો.
ઑલિમ્પિક ચૅમ્પિયન ઝ્‍વેરેવ આઉટ
બીજી પ્રી-ક્વૉર્ટરમાં ૧૪મા ક્રમાંકિત કૅનેડિયન ખેલાડી ડેનિસ શાપોવાલોવે ઑલિમ્પિક્સના વિજેતા, થર્ડ-સીડેડ અને આ સ્પર્ધા જીતવા માટેના દાવેદાર જર્મનીના ઍલેક્ઝાન્ડર ઝ્‍વેરેવને ૬-૩, ૭-૫, ૬-૩થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
બાર્ટી જીતી, ઍઝરેન્કા હારી
વર્લ્ડ નંબર વન ઍશ બાર્ટી ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં અમેરિકાની અમેન્ડા ઍનિસિમોવાને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. શનિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન નાઓમી ઓસાકાને હરાવનાર અમેન્ડાને બાર્ટીએ ગઈ કાલે ૬-૪, ૬-૩થી હરાવી હતી. અન્ય મૅચમાં ફિફ્થ-સીડેડ ગ્રીસની મારિયા સકારીનો અમેરિકાની જેસિકા પેગુલા સામે ૭-૦, ૬-૩થી પરાજય થયો હતો. પેગુલા હવે ક્વૉર્ટરમાં બાર્ટી સામે રમશે. 
જોકે ચોથા ક્રમની બાર્બોરા ક્રેઇચિકોવાએ ૨૪મા નંબરની વિક્ટોરિયા ઍઝરેન્કાને ચોથા રાઉન્ડમાં ૬-૨, ૬-૨થી પરાજિત કરી હતી.
સાનિયા-રામની જોડી ક્વૉર્ટરમાં
ભારતની સાનિયા મિર્ઝા અને અમેરિકાનો રાજીવ રામ ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ઓપનમાં સ્ટ્રેઇટ સેટની જીત સાથે મિક્સ્ડ-ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં હતાં. તેમણે બીજા રાઉન્ડમાં એલન પરેઝ તથા મેટ્વે મિડલકૂપની જોડીને ૮-૬, ૬-૪થી હરાવી હતી. મિર્ઝા આ સ્પર્ધામાં ટકી રહેલી એકમાત્ર ભારતીય ખેલાડી છે. તે ૨૦૦૯માં મહેશ ભૂપતિ સાથેની જોડીમાં અહીં ટાઇટલ જીતી હતી.

sports sports news