મેડવેડેવને ઑસ્ટ્રેલિયન ઓપનમાં હરાવીને જોકોવિચે કરી જીતની હૅટટ્રિક

22 February, 2021 03:21 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

મેડવેડેવને ઑસ્ટ્રેલિયન ઓપનમાં હરાવીને જોકોવિચે કરી જીતની હૅટટ્રિક

નોવાક જોકોવિચ

વર્લ્ડ નંબર વન ટેનિસ પ્લેયર સર્બિયાના નોવાક જોકોવિચે ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ઓપનની પુરુષ એકલ વર્ગની ફાઇનલમાં રશિયાના ડેનિલ મેડવેડેવને એક કલાક ૫૨ મિનિટ ચાલેલી મૅચમાં ૭-૫, ૬-૨, ૬-૨થી હરાવીને પોતાનું નવમું ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ અને ૧૮મું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી લીધું હતું. આ સાથે તેણે ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ સતત ત્રીજી વાર કબજે કરીને જીતની હૅટટ્રિક કરી હતી. આ છેલ્લાં ત્રણેય ટાઇટલ તે મેલબર્ન પાર્કમાં જ જીત્યો હતો. રૉજર ફેડરર અને રાફેલ નડાલ અત્યાર સુધી કુલ ૨૦-૨૦ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂક્યા છે અને હવે જોકોવિચ તેમનાથી માત્ર બે ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ દૂર છે.

મેડવેડેવનું સપનું તૂટ્યું

દુનિયાનો ચોથા નંબરનો ટેનિસ ખેલાડી ડેનિલ મેડવેડેવ પોતાની ટેનિસ કરીઅરમાં બીજી વાર ગ્રૅન્ડ સ્લૅમની ફાઇનલ અને પહેલી વાર ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં રમી રહ્યો હતો. આ પહેલાં ૨૦૧૯માં યુએસ ઓપનની ફાઇનલમાં રાફેલ નડાલ સામે તે હારી ગયો હતો. જોકોવિચ સામે હારી જતાં પોતાનું પહેલું ગ્રૅન્ડ સ્લૅમ જીતવાનું તેનું સપનું તૂટી ગયું હતું. આ પહેલાં મેડવેડેવ સતત ૨૦ મૅચ જીત્યો હતો અને તેના આ વિજયરથને અટકાવવામાં જોકોવિચ સફળ રહ્યો હતો.

નડાલ અને ફેડરરના રેકૉર્ડની નજીક

નવ ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ ઉપરાંત નોવાક જોકોવિચ પાંચ વિમ્બલ્ડન,

ત્રણ યુએસ ઓપન અને એક ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતી ચૂક્યો છે.

નોવાક જોકોવિચ ઑસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલ અને ફાઇનલમાં ૧૮ મૅચ જીત્યો છે અને છેલ્લી ૧૦ મેજર ટુર્નામેન્ટમાંથી ૬ પોતાના નામે કરી ચૂક્યો છે.

સામા પક્ષે મેન્સ ડબલ્સની ફાઇનલમાં ફિલિપ પોલાસેક અને ઇવાન ડોડિગની જોડીએ રાજીવ રામ અને જો સૅલિસબરીને ૬-૩, ૬-૪થી હરાવ્યા હતા.

ઇતના ગુસ્સા?: મૅચ વખતે મેડવેડેવે ગુસ્સામાં પોતાનું રૅકેટ તોડી નાખ્યું હતું.

આકર્ષક ઓસાકા

ઑસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા એકલ વર્ગનું ટાઇટલ પોતાના નામે કર્યા બાદ ગઈ કાલે જપાનની નાઓમી ઓસાકાએ મેલબર્નના ગવર્નમેન્ટ હાઉસ પાસે પોતાની ઑસ્ટ્રેલિયન ઓપનની ટ્રોફી સાથે ફોટો-સેશન કરાવડાવ્યું હતું.

sports sports news australian ope