જર્મનીનો ફરી ફ્લૉપ શો

03 December, 2022 11:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોસ્ટા રિકા સામે ૪-૨થી જીત્યું, પરંતુ જપાને સ્પેનને હરાવતાં સતત બીજા વર્લ્ડ કપમાં પણ પહેલા રાઉન્ડમાં જ બહાર

કોસ્ટા રિકાની મૅચ બાદ ટીમ ક્વૉલિફાય ન થતાં હતાશ થયેલા જર્મનીના ખેલાડીઓ.

સતત બીજા વર્લ્ડ કપમાં પણ પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ જતાં જર્મનીની ટીમ તેમની ક્યાં ભૂલ થઈ એનાં કારણો જાણવામાં લાગી ગઈ છે. ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલા ખેલાડીઓ તેમણે કઈ-કઈ તક ગુમાવી હતી એની ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ ટીમને કઈ સમસ્યા નડી રહી છે એનો જવાબ કોઈ પાસે નહોતો. ગુરુવારે રાતે જર્મનીએ કોસ્ટા રિકાને ૪-૨થી હરાવ્યું હતું ત્યાર બાદ થોમસ મુલરે કહ્યું હતું કે અહીં ૨૫ નિષ્ણાતો મેદાનની બહાર ઊભા છે. બધા એકબીજાને સલાહ આપે છે, પણ પછી કોઈ એક વાત પર સંમત થયા છે. 
સ્પેનની આશા ઠગારી નીવડી
જર્મની જ્યારે જપાન સામેની પહેલી મૅચ ૧-૨થી હાર્યું હતું ત્યારથી જ તેનું ભાવિ ડામાડોળ હતું. વળી સ્પેન સામેની મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી એને પરિણામે જર્મની ગ્રુપમાં સાવ નીચે હતું. સ્પેન કંઈક ચમત્કાર કરે એવી આશા એને હતી, પરંતુ જપાને સ્પેનને હરાવતાં સ્પેનની ટીમે વધારે ગોલ કર્યા હોવાથી સ્પેન આગળના સ્ટેજ પર પહોંચ્યું હતું. જર્મનીના કોચ હેન્સી ફ્લિકે કહ્યું કે ‘હું બીજી ટીમને જવાબદાર નથી ગણતો. બધું જ અમારા પર નિર્ભર હતું. અમારી પાસે પૂરતી તકો હતી. પછી ભલે એ જપાન સામેની રમતના પહેલા હાફમાં કેમ ન હોય. સ્પેન સામે પણ અમારી પાસે તકો હતી, જેને અમે ગુમાવી હતી.’
જર્મનીનું સ્થાન ક્યાં?
જર્મની ૨૦૧૪માં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું, પરંતુ ૨૦૧૮માં રશિયામાં યોજાયેલી ટુર્નામેન્ટમાં પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયું હતું. ગયા વર્ષે યુરોપિયન ચૅમ્પિયનશિપમાં પણ જર્મની બીજા રાઉન્ડમાં બહાર ફેંકાઈ ગયું હતું. જર્મનીના કૅપ્ટન મૅન્યુઅલ ન્યુઅરે વર્લ્ડ ફુટબૉલમાં ટીમના સ્થાન વિશે કહ્યું હતું કે મને લાગે છે કે અમે કહી શકતા નથી કે અમે ક્યાં છીએ. ૨૦૧૮ વર્લ્ડ કપ પહેલાં જર્મની ૨૦૦૬ વર્લ્ડ કપથી અત્યાર સુધી દરેક મોટી સ્પર્ધાના ઓછામાં ઓછા સેમી ફાઇનલ તબક્કામાં તો પહોંચ્યું જ હતું. 

sports news sports Fifa World Cup 2018