વર્લ્ડ ઍથ્લેટિક્સે અંજુ બૉબી જ્યૉર્જને આપ્યો વુમન ઑફ ધ યરનો અવૉર્ડ

03 December, 2021 03:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ જીતનાર એકમાત્ર ભારતીય અંજુ (પૅરિસ ૨૦૦૩)ની ગઈ કાલે આ સન્માન માટે પસંદગી કરવામાં આવી હતી

અંજુ બૉબી

ભારતની દિગ્ગજ ઍથ્લીટ અંજુ બૉબી જ્યૉર્જને વર્લ્ડ ઍથ્લેટિક્સે દેશમાં નવી પ્રતિભાઓની શોધ અને લિંગ સમાનતાના કામ માટે વર્ષની શ્રેષ્ઠ મહિલાનો અવૉર્ડ આપ્યો છે. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ જીતનાર એકમાત્ર ભારતીય અંજુ (પૅરિસ ૨૦૦૩)ની ગઈ કાલે આ સન્માન માટે પસંદગી કરવામાં આવી હતી. આ અવૉર્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની છે. વર્લ્ડ ઍથ્લેટિક્સે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘લાંબી કૂદની આ ભૂતપૂર્વ ખેલાડી અંજુ બૉબી જ્યૉર્જ હજી પણ રમત સાથે સંકળાયેલી છે. તેણે ૨૦૧૬માં યુવતીઓ માટે એક ટ્રેઇનિંગ ઍકૅડેમી ખોલી એનાથી વર્લ્ડ અન્ડર ૨૦ મેડલ વિજેતા ખેલાડી મળી છે.’ 
જેઓ પોતાનું જીવન ઍથ્લેટિક્સની રમત પ્રત્યે સમર્પિત કરે છે એવા લોકોને આ અવૉર્ડ આપવામાં આવે છે. 
ઇન્ડિયન ઍથ્લેટિક્સ ફેડરેશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ તરીકે અંજુ બૉબી જ્યૉર્જ સતત લિંગ સમાનતાને લઈને પોતાનો અવાજ ઉઠાવે છે. રમતમાં આગળ આવે એ માટે તે સ્કૂલમાં ભણતી બાળકીઓને પણ સતત માર્ગદર્શન આપતી રહે છે. અવૉર્ડ મળ્યા બાદ અંજુ બૉબી જ્યૉર્જે કહ્યું કે ‘દરરોજ સવારે ઊઠીને આ રમતને કંઈક ને કંઈક આપવાથી અનોખો આનંદ મળે છે. વળી આનાથી યુવતીઓ વધુ ને વધુ સશક્ત થાય છે. મારા પ્રયત્નોને માન આપવા બદલ વર્લ્ડ ઍથ્લેટિક્સનો હું આભાર માનું છું. ’

sports sports news