ઍમ્બપ્પેનો ૩ વર્ષનો નવો કૉન્ટ્રૅક્ટ અને પછી ગોલની હૅટ-ટ્રિક

23 May, 2022 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સના જગવિખ્યાત ફુટબૉલર કીલિયાન ઍમ્બપ્પે શનિવારે બે વાર થ્રી-સ્ટાર બન્યો હતો.

કીલિયાન ઍમ્બપ્પેએ પીએસજી સાથે વર્ષ ૨૦૨૫ સુધી કરાર રિન્યુ કર્યા બાદ જર્સી બતાવ્યા પછીની મૅચમાં ઉપરાઉપરી ત્રણ ગોલ કર્યા હતા. એ.પી. / એ.એફ.પી.

ફ્રાન્સના જગવિખ્યાત ફુટબૉલર કીલિયાન ઍમ્બપ્પે શનિવારે બે વાર થ્રી-સ્ટાર બન્યો હતો. તેણે પહેલાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ક્લબની ટીમ સાથે ત્રણ વર્ષનો નવેસરથી કૉન્ટ્રૅક્ટ કર્યો હતો અને પછી મેટ્ઝ ક્લબ સામેની લીગ-વન ટુર્નામેન્ટની મૅચમાં ગોલની હૅટ-ટ્રિક કરી હતી. પીએસજીએ આ મૅચ ૫-૦થી જીતી લીધી હતી. પાંચમાંથી ત્રણ ગોલ ઍમ્બપ્પેએ કર્યા હતા અને એક ગોલ નેમારે તથા એક ઍન્જલ ડિમારિયાએ કર્યો હતો. લિયોનેલ મેસી પણ પીએસજીની ટીમમાં હતો.
આ મૅચ પહેલાં ઍમ્બપ્પે પૅરિસના ફુટબૉલ ગ્રાઉન્ડમાં સેન્ટર સર્કલ નજીક બનેલા મંચ પર ઊભો રહ્યો હતો અને જાહેરાત કરી હતી કે ‘મને જણાવતાં આનંદ થાય છે કે હું ફ્રાન્સમાં જ અને મારા જ શહેર પૅરિસમાં જ રહેવાનો છું. મેં પીએસજી સાથે ડીલ કર્યું છે. હા, હું પીએસજીની ટીમમાં ૨૦૨૫ના વર્ષ સુધી રહીશ અને ટીમને ટ્રોફીઓ જિતાડીશ.’
રિયલ મૅડ્રિડ ટીમ લાંબા સમયથી ઍમ્બપ્પેને ખરીદવાના પ્રયત્નમાં હતી. આ ટીમ તાજેતરની ચૅમ્પિયન્સ લીગમાં પીએસજીને હરાવવામાં સફળ થઈ, પરંતુ પ્લેયરોની ટ્રાન્સફર માર્કેટમાં ઍમ્બપ્પેને ખરીદવામાં નિષ્ફળ ગઈ.

ઍમ્બપ્પેના મુદ્દે સ્પૅનિશ લીગની પીએસજી વિરુદ્ધ ફરિયાદ

કીલિયાન ઍમ્બપ્પે સાથે ત્રણ વર્ષનો કરાર રિન્યુ કરવાના પીએસજીના પગલા સામે સ્પૅનિશ લીગે વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે ‘પીએસજી જેવી મોટું આર્થિક નુકસાન કરી રહેલી ક્લબ અચાનક જ કોઈ એક પ્લેયર સાથે કરોડો ડૉલરનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરે અને ખમતીધર ક્લબો આવા કરારથી વંચિત રહી જાય એ બાબત જ બતાવે છે કે પીએસજીએ કરેલો નવો કરાર કોઈ પ્રકારનું ષડ્યંત્ર જ છે. ખોટ કરતી ક્લબના આવા તોતિંગ કરારને કારણે યુરોપિયન ફુટબૉલની આર્થિક ઇકોસિસ્ટમને નુકસાન થઈ શકે. પ્લેયરો સાથેના કરાર બાબતમાં આવું ગેરસંચાલન થાય તો સેંકડો-હજારો લોકોના રોજગારને વિપરીત અસર થઈ શકે એટલે એવી બાબતને ધ્યાનમાં રાખીને જ યુરોપિયન ફુટબૉલનું સંચાલન કરતી યુઈએફએ દ્વારા અમુક નિયમો ઘડવામાં આવ્યા છે. એ નિયમોનો પીએસજીના કરારમાં ભંગ કરાયો છે.’

sports news football