આફ્રિકા કપમાં બે ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં જીતીને પહોંચી ક્વૉર્ટર ફાઇનલમાં

28 January, 2022 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૉકઆઉટની લાઇન નક્કી થઈ ગઈ : ત્રણ નૉકઆઉટ મૅચોનાં સ્થળ બદલાયાં

દૌઆલામાં બુધવારે પેનલ્ટી શૂટઆઉટમાં ઇજિપ્તને નિર્ણાયક કિકથી જિતાડ્યા પછી સાથીઓ ભેગા સેલિબ્રેશનના મૂડમાં મોહમ્મદ સાલહ. પેનલ્ટી શૂટઆઉટમાં ઇજિપ્તનો ૫-૪થી વિજય થયો હતો. એ.એફ.પી.

૨૪ આફ્રિકન રાષ્ટ્રોની ટોચની સોકર ટીમ વચ્ચેના આફ્રિકા કપ ઑફ નેશન્સમાં બુધવારે બે પેનલ્ટી શૂટઆઉટમાંથી એકમાં ઇજિપ્તે આઇવરી કોસ્ટને ૫-૪થી હરાવીને અને ઇક્વેટોરિયલ ગિનીએ માલીને ૬-૫થી આંચકો આપીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

બન્ને મૅચ એટલી બધી રસાકસીભરી હતી કે એમાં એકેય ગોલ નહોતો થયો અને બેઉ મૅચ એક્સ્ટ્રા-ટાઇમના અંતે ૦-૦ રહેતાં શૂટઆઉટથી પરિણામ લાવવામાં આવ્યું હતું. આઇવરી કોસ્ટ સામે ઇજિપ્તના મોહમ્મદ સાલહે નિર્ણાયક પેનલ્ટી કિક લગાવી હતી. યજમાન કૅમરૂન ક્વૉર્ટર ફાઇનલમાં ગામ્બિયા સામે રમશે.

બે ક્વૉર્ટર, એક સેમી નવા સ્થળે
સોમવારે કૅમરૂનના યાઉન્ડેમાં આવેલા ઑલેમ્બે સ્ટેડિયમની બહાર ભાગદોડની ઘટનામાં આઠ જણનાં મૃત્યુ થવાની અને ૩૮ જણને ઈજા થવાની જે ઘટના બની એને પગલે આ સ્ટેડિયમની રવિવારની ક્વૉર્ટર ફાઇનલ આ શહેરના અહમાદોઉ સ્ટેડિયમમાં રાખવામાં આવી છે. અન્ય એક ક્વૉર્ટર ફાઇનલ અને એક સેમી ફાઇનલ પણ અગાઉના સ્થળને બદલે અહમાદોઉમાં રમાશે.

વૅક્સિનના ખોટા પાસ
જર્મનીના બે ફુટબૉલ કોચ માર્કસ ઍન્ફાન્ગ અને ફ્લોરિયન યુન્ગે પોતાને ફુલ્લી વૅક્સિનેટેડ હોવાનો પુરાવો આપવાના હેતુથી વાઇરસને લગતા ટેસ્ટિંગમાંથી મુક્તિ મેળવવા તેમ જ આઇસસોલેશનમાં જવાનું ટાળવા ગયા વર્ષે બનાવટી પાસ બનાવડાવ્યા હતા અને તેમનું એ રૅકેટ હવે બહાર આવતાં તેમને ફુટબૉલમાં કોઈ પણ પ્રકારનો હોદ્દો મેળવવાની મનાઈ કરવામાં આવી છે.

મેસી અને કોચ નહીં હોય
આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં કતારમાં ફિફા વર્લ્ડ કપ રમાવાનો છે અને આર્જેન્ટિનાની ટીમ એને માટે ક્વૉલિફાય થઈ ચૂકી છે, પરંતુ ક્વૉલિફિકેશન માટે સંઘર્ષ કરી રહેલી ચિલીની ટીમ સામે એની રવિવારે જે ક્વૉલિફાઇંગ મૅચ રમાવાની છે એ વખતે એના (આર્જેન્ટિનાના) કોચ લિયોનેલ સ્કલોની હાજર નહીં રહે, કારણ કે તેમનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ટીમનો કૅપ્ટન લિયોનેલ મેસી હજી કોરોના વાઇરસની અસરમાંથી સંપૂર્ણપણે મુક્ત ન થયો હોવાથી તે આ મૅચમાં નથી રમવાનો.

ક્વૉર્ટર ફાઇનલમાં કોણ કોની સામે?
બુર્કીના ફાસો v/s ટ્યુનિશિયા
સેનેગલ v/s ઇક્વેટોરિયલ ગિની
ગામ્બિયા v/s કૅમરૂન
ઇજિપ્ત v/s મૉરોક્કો

sports news sports