ભારતીય બૅડ્‍મિન્ટન ટીમનો કોચ છે તાપસી પન્નુનો બૉયફ્રેન્ડ!

15 May, 2022 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મથાયાસ ડેન્માર્કનો ભૂતપૂર્વ બૅડ્‍મિન્ટન ખેલાડી, ડબલ્સનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન અને ભારતીય પુરુષોની વર્તમાન બૅડ્‍મિન્ટન ટીમનો કોચ છે

તાપસી પન્નુ બૉયફ્રેન્ડ મથાયાસ બો સાથે

બૉલીવુડની જાણીતી અભિનેત્રી તેમ જ હિન્દી ઉપરાંત તામિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી તાપસી પન્નુએ થોડા દિવસ પહેલાં તેના બૉયફ્રેન્ડ સાથેની રિલેશનશિપ વિશે પહેલી વાર જાહેરમાં ચર્ચા કરી હતી અને હવે તેના વિશે કદાચ વધુ વાતો કરતી જોવા મળશે, કારણ કે તેનો બૉયફ્રેન્ડ મથાયાસ બો હાલમાં મીડિયામાં ખૂબ ચમકી રહ્યો છે.

મથાયાસ ડેન્માર્કનો ભૂતપૂર્વ બૅડ્‍મિન્ટન ખેલાડી, ડબલ્સનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન અને ભારતીય પુરુષોની વર્તમાન બૅડ્‍મિન્ટન ટીમનો કોચ છે. આ ભારતીય ટીમ જગવિખ્યાત થોમસ કપની ફાઇનલમાં પહેલી જ વાર પહોંચી છે અને આજે ઇન્ડોનેશિયા સામે ભારતની ફાઇનલ છે. યોગાનુયોગ, ભારતે શુક્રવારે સેમી ફાઇનલમાં મથાયાસના દેશ ડેન્માર્કની ટીમને ૩-૨થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

૩૪ વર્ષની તાપસીનો ૪૧ વર્ષનો બૉયફ્રેન્ડ મથાયાસ શુક્રવારે ભારતની સેમી ફાઇનલમાં થયેલી જીત બાદ ખૂબ રોમાંચિત હતો અને તેણે સોશ્યલ મીડિયામાં ભારતીયોના સેલિબ્રેશનના ફોટો શૅર કર્યા હતા. ડેન્માર્કમાં મથાયાસને ‘જુડાસ’ કહીને બોલાવવામાં આવે છે. મથાયાસે મીડિયામાં ભારતીય ખેલાડીઓના ફોટો સાથે કૅપ્શનમાં મજાકમાં લખ્યું, ‘ભારતનો ફાઇનલ-પ્રવેશ મારા માટે સ્પેશ્યલ છે. હું મારા જ ભૂતપૂર્વ સાથી-ખેલાડીઓ, મિત્રો, પ્રશિક્ષકો અને મારા દેશની વિરુદ્ધમાં ભારતીયોને કોચિંગ આપી રહ્યો હતો એટલે મારા દેશવાસીઓ મને દેશદ્રોહી કહીને બોલાવતા હતા. જોકે મેં ભારતને ફાઇનલમાં પહોંચાડીને મારા મિત્રો વગેરેને વળતો જવાબ આપી દીધો છે. રવિવારે ઇન્ડોનેશિયા સામે ફાઇનલ છે અને એ પછી ભારતીયો વધુ એક સેલિબ્રેશનમાં જોવા મળશે.’

sports sports news taapsee pannu