હું ચોથા નંબરે રમી શકું છું : સુરેશ રૈના

28 September, 2019 05:12 PM IST  |  મુંબઈ

હું ચોથા નંબરે રમી શકું છું : સુરેશ રૈના

સુરેશ રૈના

ચેન્નઈ (પી.ટી.આઇ.) : ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર થઈ ગયેલા સુરેશ રૈનાનું માનવું છે કે તે હજી પણ વનડે અને ટી૨૦ ટીમમાં નંબર-૪ પર બૅટિંગ કરી શકે છે. થોડા સમય પહેલાં રૈનાએ ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું હતું. રૈના છેલ્લે ઇંગ્લૅન્ડ વિરુદ્ધની સિરીઝમાં રમ્યો હતો અને ટી૨૦ વિશ્વ કપ પહેલાં ટીમમાં વાપસી થાય એવા પ્રયાસ કરી રહ્યો છે. ૨૦૨૦ અને ૨૦૨૧માં ટી૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. એ વિશે વાત કરતાં રૈનાએ કહ્યું હતું કે ‘હું ભારત તરફથી નંબર-૪ પર બૅટિંગ કરી શકું છું. મેં પહેલાં પણ આ સ્થાન પર બૅટિંગ કરી છે અને સારું પ્રદર્શન કર્યું છે. આવનારાં વર્ષોમાં બે વર્લ્ડ કપ યોજાવાના છે અને હું એક તક મળે એની રાહમાં છું.’

ભારતીય ટીમમાં ચોથા નંબરનું સ્થાન લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યું છે. કેટલાક સમય સુધી અંબાતી રાયુડુ આ ક્રમાંકે રમ્યો હતો, પણ સિલેક્ટરોએ વર્લ્ડ કપ માટે વિજય શંકરને ચોથા ક્રમાંકે ટીમમાં સ્થાન આપ્યું હતું. જોકે શંકરને ઈજા થતાં યુવા ખેલાડી રિષભ પંતને આ સ્થાને રમવાની તક મળી હતી, પણ સતત ખરાબ પ્રદર્શનને કારણે પંતની ચોથા ક્રમાંકની બૅટિંગ ચર્ચાનો વિષય બની છે. પંતના સંદર્ભે વાત કરતાં સુરેશ રૈનાએ કહ્યું હતું કે ‘પંત થોડો કન્ફ્યુઝ્‌ડ છે અને એને કારણે તે નૅચરલ રમત નથી રમી રહ્યો. તે સિંગલની તલાશમાં રહે છે. ક્યારેક લાગે છે કે તે બૉલને સમજી જ નથી શકતો.’
રૈનાએ વનડેમાં અને ટી૨૦માં અનુક્રમે ૫૬૧૫ અને ૧૬૦૫ રન કર્યા છે.

sports sports news suresh raina