ટેલરને ડર ટેલરનો

01 November, 2011 06:55 PM IST  | 

ટેલરને ડર ટેલરનો



કિવીઓ આ વર્ષના જાન્યુઆરીમાં ઘરઆંગણે પાકિસ્તાન સામેની સિરીઝમાં રમ્યા પછી એકેય ટેસ્ટ નથી રમ્યા. ફેબ્રુઆરી ૨૦૧૦માં બંગલા દેશને હરાવ્યા પછી કિવીઓ એક પણ ટેસ્ટ જીત્યા પણ નથી. એ તો ઠીક, પણ નવેમ્બર ૨૦૦૯માં ડનેડિનની ટેસ્ટમાં પાકિસ્તાનને પરાજિત કર્યા બાદ તેઓ એકેય મોટા દેશની ટીમને ટેસ્ટમાં નથી હરાવી શક્યા.

એટલે જ કિવીઓ ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના સંઘર્ષભર્યા પ્રવાસે જતાં પહેલાં ઝિમ્બાબ્વે સામેની આ ટેસ્ટમૅચ બને એટલી આસાનીથી જીતવાનો પ્રયત્ન કરશે. જોકે એમાં તેમને જબરદસ્ત ફૉર્મ ધરાવતો ઝિમ્બાબ્વેનો કૅપ્ટન બ્રેન્ડન ટેલર આડખીલીરૂપ બની શકે.

ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન રૉસ ટેલર અને તેના સાથીઓને બ્રેન્ડન ટેલરનો સૌથી વધુ ભય છે એનું સૌથી મોટું કારણ એ છે કે બ્રેન્ડને ગયા મંગળવારે પૂરી થયેલી વન-ડે સિરીઝમાં બે સેન્ચુરી અને ૭૫ રનની ઇનિંગ્સ સહિત કુલ મળીને હાઇએસ્ટ ૩૧૦ રન કર્યા હતા. એ સિરીઝમાં બ્રેન્ડનને કિવી બોલરો એક જ વખત આઉટ કરી શક્યા હતા.

ગયા મંગળવાર પહેલાંની બન્ને વન-ડે ન્યુ ઝીલૅન્ડે જીતી લીધી હતી, પરંતુ મંગળવારની છેલ્લી વન-ડેમાં કિવીઓએ ૩૨૯ રનનો જે તોતિંગ ટાર્ગેટ આપેલો એ ઝિમ્બાબ્વેએ એક બૉલ બાકી રાખીને મેળવી લીધો હતો અને એ યાદગાર મૅચ એક વિકેટથી જીતી લીધી હતી.

વેટોરી ઇન, વિટોરી આઉટ

ભૂતપૂર્વ કૅપ્ટન ડેનિયલ વેટોરી હવે વન-ડે નથી રમતો એટલે વન-ડે સિરીઝમાં તે નહોતો, પરંતુ ટેસ્ટ ટીમમાં આવી ગયો છે. બીજી બાજુ, ઝિમ્બાબ્વેની ટીમમાંથી ટાટેન્ડા તૈબુ ઉપરાંત લેફ્ટી સ્પિનર બ્રાયન વિટોરી ઈજાને કારણે આજની ટેસ્ટમાં નથી. વિટોરીને બદલે ઑલરાઉન્ડર માલ્કમ વૉલેરને લેવામાં આવ્યો છે. વૉલેરે ગયા મંગળવારે અણનમ ૯૯ રન બનાવીને ઝિમ્બાબ્વેને ૩૨૯ રનનો મૅચવિનિંગ ટાર્ગેટ અપાવી દીધો હતો.કિવી ઑલરાઉન્ડર જેસી રાઇડર પગની ઈજાને કારણે ટીમની બહાર છે.

બુલવૅયોમાં ઝિમ્બાબ્વે કમનસીબ

ઝિમ્બાબ્વેની ટીમ બુલવૅયોના ઘરઆંગણાના મેદાન પર કિવીઓ સામે સારું પફોર્ર્મ નથી કરી શકી. આ સ્થળે ઝિમ્બાબ્વેએ ન્યુ ઝીલૅન્ડ સામેની ૧૩ ટેસ્ટમાંથી ૭ મૅચમાં પરાજય જોયો છે અને બાકીની ૬ ટેસ્ટ ડ્રૉ થઈ છે. બુલવૅયોમાં ઝિમ્બાબ્વે કુલ મળીને ૧૮ ટેસ્ટ રમ્યું છે જેમાંથી માત્ર એક ટેસ્ટ જીત્યું છે. ૧૦ ટેસ્ટમાં એની હાર થઈ છે અને ૭ મૅચ ડ્રૉ રહી છે. ઝિમ્બાબ્વેનો અહીંનો એકમાત્ર વિજય બંગલા દેશ સામે હતો.