બીજી ટેસ્ટ જીતવા અફઘાનીઓને બે વિકેટ અને ઝિમ્બાબ્વેને ૭૩ રનની જરૂર

06 January, 2025 11:26 AM IST  |  Harare | Gujarati Mid-day Correspondent

ઝિમ્બાબ્વેને મળ્યો હતો ૨૭૮ રનનો ટાર્ગેટ, બીજી ઇનિંગ્સમાં રાશિદ ખાનની ૬ વિકેટ

રાશિદ ખાન

ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટ-મૅચનો આજે નિર્ણાયક દિવસ છે. પાંચમા દિવસના પહેલા સેશનમાં જ આ મૅચનું રિઝલ્ટ મળે એવી સંભાવના છે, કારણ કે આ ટેસ્ટની સાથે બે મૅચની સિરીઝ જીતવા અફઘાનીઓને બે વિકેટ અને ઝિમ્બાબ્વેને ૭૩ રનની જરૂર છે. પહેલી ટેસ્ટ-મૅચ હાઈ સ્કોરિંગ હોવા છતાં ડ્રૉ રહી હતી.

બીજી ટેસ્ટના ચોથા દિવસે અફઘાનિસ્તાને બીજી ઇનિંગ્સની ૯૧મી ઓવરમાં ૨૯૧/૭ વિકેટના સ્કોર અને ૨૦૫ રનની લીડ સાથે શરૂઆત કરી ૧૧૩.૫ ઓવર સુધીમાં તમામ વિકેટ ગુમાવીને ૩૬૩ રન ફટકાર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ૧૫૭ રનમાં સમેટાઈ ગયેલી અફઘાનિસ્તાનની ટીમે યજમાન ટીમને ૨૭૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૪૩ રન બનાવનાર ઝિમ્બાબ્વે ગઈ કાલે દિવસના અંત સુધીમાં બીજી ઇનિંગ્સમાં ૬૬ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૨૦૫ રન બનાવ્યા હતા.

પહેલી ઇનિંગ્સમાં ચાર વિકેટ લેનાર સ્ટાર સ્પિનર રાશિદ ખાને બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ લઈને ધમાલ મચાવી છે. ઝિમ્બાબ્વે માટે રાહતની વાત એ છે કે તેમના કૅપ્ટન ક્રેગ એર્વિન ૯૭ બૉલમાં સૌથી વધુ ૫૩ રન બનાવીને રમી રહ્યો છે. તેના પછી બીજી ઇનિંગ્સમાં ઓપનર બેન કરૅન અને ઑલરાઉન્ડર સિંકદર રઝા સૌથી વધુ ૩૮-૩૮ રન બનાવી શક્યા હતા.

afghanistan zimbabwe cricket news sports news sports