ઝિમ્બાબ્વેએ આપ્યો શ્રીલંકાને ઝટકો

01 July, 2017 07:37 AM IST  | 

ઝિમ્બાબ્વેએ આપ્યો શ્રીલંકાને ઝટકો

પાંચ વન-ડે અને એક ટેસ્ટ-સિરીઝની ગઈ કાલે રમાયેલી પહેલી વન-ડેમાં અગિયારમા ક્રમાંકની ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને ઘરઆંગણે સજ્જડ પરાજય ચખાડ્યો હતો. શ્રીલંકાએ આપેલા ૩૧૭ રનના ટાર્ગેટને ઝિમ્બાબ્વેએ આર્યજનક રીતે ૪૭.૪ ઓવરમાં ચાર વિકેટ; ૩૨૨ રન બનાવીને મેળવી લીધો હતો.

લાજવાબ માયર

શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. કુસાલ મેન્ડિસ (૮૬), ઉપુલ થરંગા (૭૯) અને દનુષ્કા ગુણથિલકા (૬૦)ની હાફ-સેન્ચુરી તથા કૅપ્ટન ઍન્જલો મૅથ્યુઝના ૩૦ બૉલમાં આક્રમક ૪૩ની મદદથી ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૧૬ રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેએ ઓપનર સોલોમન માયરે કરીઅરની પહેલી સેન્ચુરી (૯૬ બૉલમાં ૧૪ ફોર સાથે ૧૧૨ રન)ના જોરે ૪૭.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૩૨૨ રન ફટકારીને લંકન કૅમ્પમાં સોપો પાડી દીધો હતો. માયર ઉપરાંત સીન વિલિયમ્સ (૬૫), સિકંદર રઝા (અણનમ ૬૭) અને માલ્કમ વૉલર (૪૦) ઉપયોગી ઇનિંગ્સ રમ્યા હતા.

લંકન ધરતી પર રેકૉર્ડ


નબળી ગણાતી ઝિમ્બાબ્વેની ટીમે ૩૧૭ રનનો ટાર્ગેટ ચેઝ કરીને શ્રીલંકન ધરતી પર સૌથી મોટો સ્કોર ચેઝ કરીને નવો ઇતિહાસ રચી દીધો હતો. લંકન ધરતી પર રમાયેલી કુલ ૨૯૬ મૅચમાં અત્યાર સુધી કોઈ ટીમ ૩૦૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કરવામાં સફળ નહોતી થઈ શકી.

બીજી વન-ડે આવતી કાલે રમાશે.