ઝહીરની ચાર વિકેટ : આજે મુંબઈની જીત પાકી

02 December, 2011 08:08 AM IST  | 

ઝહીરની ચાર વિકેટ : આજે મુંબઈની જીત પાકી



ઈજા દૂર થયા બાદ ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં ફિટનેસ પુરવાર કરવા રણજીમાં રમવા આવેલા ઝહીર ખાને ઓડિસાના પ્રથમ દાવમાં ત્રણ વિકેટ લીધી હતી અને ગઈ કાલે તેણે બીજી ઇનિંગ્સમાં ઑર એક શિકાર કર્યો હતો. ફસ્ર્ટ ઇનિંગ્સમાં ધવલ કુલકર્ણીએ ચાર વિકેટ લીધા પછી સેકન્ડ ઇનિંગ્સમાં રમેશ પોવારે ચાર શિકાર કર્યા હતા.

નેહરાની ૬ સામે ઇરફાનની ૭

દિલ્હીમાં ચાલતી રણજી મૅચમાં દિલ્હી સામે બરોડા ગઈ કાલે ત્રીજા દિવસે મુસીબતમાં મૂકાયું હતું. દિલ્હીએ પ્રથમ દાવમાં ૯૭ રનની લીડ લીધી હતી. ગઈ કાલે બરોડા બીજા દાવમાં ૮૧ રનમાં ચાર વિકેટ ગુમાવી બેઠું હતું. બુધવારે પ્રથમ દાવમાં છ વિકેટ લેનાર દિલ્હીના આશિષ નેહરાને ગઈ કાલે વિકેટ નહોતી મળી. દિલ્હીને ગઈ કાલે સવારે પ્રથમ દાવમાં ૪૧૫ રન સુધી સીમિત રખાવવામાં બરોડાના ઇરફાન પઠાણનો સૌથી મોટો ફાળો હતો. તેણે ૭ વિકેટ લીધી હતી.

ચેતેશ્વર પૂજારા કમબૅકમાં ફ્લૉપ

બૅન્ગલોરની રણજી મૅચમાં ગઈ કાલના ત્રીજા દિવસે કર્ણાટકે પ્રથમ દાવ ૭ વિકેટે ૫૦૩ રનના ટોટલ પર ડિક્લેર કર્યો ત્યાર બાદ સૌરાષ્ટ્ર ફસ્ર્ટ ઇનિંગ્સમાં પાંચ વિકેટે માત્ર ૧૭૯ રન બનાવી શક્યું હતું. ઓપનર ચિરાગ પાઠક પાંચ રન માટે ફસ્ર્ટ-ક્લાસ ક્રિકેટની પાંચમી સદી ચૂકી ગયો હતો. ઘૂંટણના ઑપરેશન પછી મહિનાઓ બાદ પાછો રમવા આવેલો ચેતેશ્વર પૂજારા ૪૩ બૉલ રમ્યો હતો, પરંતુ એમાં ફક્ત ૯ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ફૉલો-ઑનથી બચવા સૌરાષ્ટ્રએ બીજા ૧૨૫ રન બનાવવાના બાકી હતા.

આજે ગુજરાતને જીતવાનો ચાન્સ

ઇન્દોરમાં મધ્ય પ્રદેશ સામેની મૅચમાં આજના છેલ્લા દિવસે ગુજરાતને જીતવાનો મોકો છે. ગઈ કાલે ગુજરાતે પ્રાથરેશ પરમારના ૬૫ રનની મદદથી બીજા દાવમાં ૨૭૨ રન બનાવીને મધ્ય પ્રદેશને જીતવા ૧૯૮ રનનો ટાર્ગેટ આપ્યો ત્યાર બાદ મધ્ય પ્રદેશના ચાર વિકેટે ૧૦૭ રન બન્યા હતા. મધ્ય પ્રદેશે જીતવા બીજા ૯૧ રન બનાવવાના હતા, જ્યારે ગુજરાતને છ વિકેટની જરૂર હતી. ગુજરાતના પેસબોલર મેહુલ પટેલે પ્રથમ દાવની પાંચ વિકેટ પછી ગઈ કાલે બે વિકેટ લીધી હતી.

સૌરવ ગાંગુલીની સદી એળે જશે

રોહતકમાં ડ્રૉ તરફ સરકી રહેલી રણજી મૅચમાં હરિયાણાના ૩૫૮ રન સામે ગઈ કાલના ત્રીજા દિવસે બેન્ગાલ ૩૩૯માં ઑલઆઉટ થઈ ગયું હતું. કૅપ્ટન સૌરવ ગાંગુલી (૧૩૫)ની સેન્ચુરી હરિયાણાને પ્રથમ દાવમાં લીડ મેળવતાં નહોતી રોકી શકી. ૧૯ રનની લીડ લીધા બાદ હરિયાણાનો બીજા દાવનો સ્કોર એક વિકેટે ૪૨ રન હતો.