યુવીના ઑલરાઉન્ડ પર્ફોમન્સથી ભારતે ઇંગ્લૅન્ડને પ્રથમ T20માં પાંચ વિકેટે હરાવ્યું

21 December, 2012 06:25 AM IST  | 

યુવીના ઑલરાઉન્ડ પર્ફોમન્સથી ભારતે ઇંગ્લૅન્ડને પ્રથમ T20માં પાંચ વિકેટે હરાવ્યું



પુણે: પુણેના સુબ્રતા રૉય સહારા સ્ટેડિયમમાં ગઈ કાલે રમાયેલી પ્રથમ ઇન્ટરનૅશનલમાં ભારતે વિજયી શ્રીગણેશ કર્યા હતા. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટસિરીઝમાં ૧-૨થી નામોશી જોયા પછી ગઈ કાલે પહેલી T20માં ટીમ ઇન્ડિયાએ ઓઇન મૉર્ગનના સુકાનવાળી બ્રિટિશરોની ટીમને ૧૩ બૉલ બાકી રાખીને પાંચ વિકેટે પરાજિત કર્યું હતું.

યુવરાજ સિંહ ગઈ કાલનો સુપરસ્ટાર હતો. તેણે ૧૯ રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને પછી ૨૧ બૉલમાં ત્રણ સિક્સર તથા બે ફોર સાથે ૩૮ રન બનાવ્યા હતા. તેણે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ સ્વીકારતી વખતે કહ્યું હતું કે ‘હું આ મૅચની રાહ જોઈ રહ્યો હતો. થોડા દિવસમાં મેં પ્રૅક્ટિસમાં તનતોડ મહેનત કરી હતી જે રંગ લાવી.’

અશોક ડિન્ડાએ બે વિકેટ લીધી

ઇંગ્લૅન્ડને ભારતે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૭ રન સુધી સીમિત રાખ્યું હતું. એમાં ઓપનર ઍલેક્સ હેલ્ઝ (૫૬ રન, ૩૫ બૉલ, બે સિક્સર, સાત ફોર)નો ઇન્ડિવિજ્યુઅલ સ્કોર હાઇએસ્ટ હતો. લ્યુક રાઇટે ૩૪ રન અને જોસ બટલરે ત્રણ સિક્સર સાથે અણનમ ૩૩ રનનું યોગદાન આપ્યું હતું. અશોક ડિન્ડાએ બે અને રવિચન્દ્રન અશ્વિને એક વિકેટ લીધી હતી.

ભારતે ૧૭.૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૮ રન બનાવી લીધા હતા. સુરેશ રૈનાએ ૨૬ રન અને મહેન્દ્ર સિંહ ધોનીએ અણનમ ૨૪ રન બનાવ્યા હતા. ટિમ બ્રેસ્નનને સૌથી વધુ બે વિકેટ મળી હતી.

વાનખેડેની ટિકિટો ઑનલાઇન પર જ

આવતી કાલે વાનખેડેમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી છેલ્લી T20 મૅચની ટિકિટો કાઉન્ટર પર ન વેચવાનો મુંબઈ ક્રિકેટ અસોસિએશને નિર્ણય લીધો છે. મૅચ સાંજે ૭.૦૦ વાગ્યે શરૂ થશે અને એની ટિકિટો www.bookmyshow.com વેબસાઇટ પર ઉપલબ્ધ થઈ રહી છે.

પાકિસ્તાનવાળી મૅચો વહેલી શરૂ થશે

વાતાવરણમાં ભેજનું ખૂબ પ્રમાણ રહેતું હોવાથી જાન્યુઆરીમાં પાકિસ્તાન સામેની ભારતની ત્રણમાંથી છેલ્લી બે વન-ડે મૅચો બપોરે ૨.૩૦ને બદલે ૧૨.૦૦ વાગ્યે શરૂ થશે. આ વન-ડે સિરીઝ પહેલાં પાકિસ્તાન સામે બે T20 મૅચ રમાશે. એમાંથી પ્રથમ T20 સાંજે ૭.૦૦ વાગ્યે અને બીજી સાંજે ૫.૦૦ વાગ્યે શરૂ થશે.

પાકિસ્તાન સામેની સિરીઝ પછી ઇંગ્લૅન્ડ સામે ઘરઆંગણે રમાનારી પાંચમાંથી પ્રથમ ચાર વન-ડે પણ બપોરે ૨.૩૦ને બદલે ૧૨.૦૦ વાગ્યે શરૂ થશે.