યુવીએ 6 સિક્સરની ઘટના વાગોળતા સ્ટુઅર્ટના પિતા સાથે કરેલી વાત યાદ કરી

27 April, 2020 01:26 PM IST  |  London | Agencies

યુવીએ 6 સિક્સરની ઘટના વાગોળતા સ્ટુઅર્ટના પિતા સાથે કરેલી વાત યાદ કરી

યુવરાજ સિંહ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહને આજે પણ તેની ૬ સિક્સરના જબરદસ્ત રેકૉર્ડ માટે યાદ કરવામાં આવે છે. ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર ઍન્ડ્રુ ફ્લિન્ટોફ સાથે એ વખતે થયેલી મગજમારીનો જવાબ યુવરાજે આ રેકૉર્ડ સર્જીને આપ્યો હતો. આ કરામત યુવરાજે સ્ટુઅર્ટ બ્રૉડની બોલિંગમાં કરી બતાવ્યો હતો. જોકે આ ઐતિહાસિક ઘટના બાદ સ્ટુઅર્ટ બ્રૉડના પિતા સાથે વાતો કરી હતી જેને તાજેતરમાં યુવરાજે એક મુલાકાતમાં વાગોળી હતી.

એક મુલાકાતમાં આ ઘટનાને યાદ કરતાં યુવરાજ સિંહે કહ્યું કે ‘ફ્રિડી ખરેખર ફ્રિડી છે. તેણે મને કેટલાક શબ્દો સંભળાવ્યા હતા અને સામે જવાબમાં મેં પણ તેને કેટલાક શબ્દો સંભળાવ્યા હતા. ઇંગ્લૅન્ડ સામે ૬ સિક્સર મારીને હું ઘણો ખુશ હતો, કેમ કે એ મૅચનાં કેટલાંક અઠવાડિયાં પહેલાં વન-ડેમાં તેમની જ ટીમના દિમિત્રી મૅસ્કરેન્હસે મેં નાખેલી ઓવરના પાંચ બૉલમાં પાંચ સિક્સર મારી હતી. જ્યારે મેં છઠ્ઠી સિક્સર મારી ત્યારે સ્વાભાવિકપણે પહેલો લુક મેં ફ્રેડીનો જોયો હતો અને બીજો દિમિત્રીનો, જે મારી સામે હસી રહ્યા હતા. એ વખતે મૅચ પતી ગયા બાદ સ્ટુઅર્ટ બ્રૉડના પિતા ક્રિસ બ્રૉડ, જેઓ મૅચ-રેફરી પણ હતા તેઓ મારી પાસે આવ્યા હતા. તેમણે આવીને મને કહ્યું કે તેં મારા દીકરાની કરીઅર ખતમ કરી નાખી છે માટે તારે એને માટે આ ટી-શર્ટ સાઇન કરી આપવું પડશે. મને યાદ છે કે મેં તેમને મારી ઇન્ડિયન જર્સી એક મેસેજ લખીને આપી હતી. મેસેજમાં મેં સ્ટુઅર્ટને લખ્યું હતું કે મારા પાંચ બૉલમાં પાંચ સિક્સર ફટકારવામાં આવી છે માટે મને ખબર છે કે આવા સમયે કેવું લાગે. ઇંગ્લૅન્ડ ક્રિકેટના ભવિષ્ય માટે ઑલ ધ બેસ્ટ. ખરું કહું તો સ્ટુઅર્ટ એક બેસ્ટ બોલર છે. મને નથી લાગતું કે ભારતનો કોઈ પણ બોલર એક ઓવરમાં ૬ સિક્સર ફટકારી શકે અને પછી આવી કારકિર્દી ભોગવી શકે.’

એ મૅચમાં યુવરાજે ૧૮ બૉલમાં ૫૮ રન બનાવ્યા હતા અને ભારત એ મૅચ ૧૮ રનથી જીતી ગયું હતું.

yuvraj singh cricket news sports news