ધોનીના નેતૃત્વમાં યુવરાજ સિંહનું પર્ફોર્મન્સ જબરદસ્ત હતું : નેહરા

09 April, 2020 04:15 PM IST  |  New Delhi | Agencies

ધોનીના નેતૃત્વમાં યુવરાજ સિંહનું પર્ફોર્મન્સ જબરદસ્ત હતું : નેહરા

આશિષ નેહરા

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર પ્લેયર યુવરાજ સિંહે પોતાના બેસ્ટ કૅપ્ટન તરીકે સૌરવ ગાંગુલીનું નામ આપ્યું હતું જેના નેતૃત્વમાં તેને ઘણો સારો સપોર્ટ મળ્યો હતો. જોકે આશિષ નેહરાનું માનવું છે કે યુવરાજનું બેસ્ટ પર્ફોર્મન્સ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં જોવા મળ્યું હતું. આ વિશે વાત કરતાં આશિષ નેહરાએ કહ્યું કે ‘યુવરાજના કરિઅરને જોઈને વાત કરો તો ધોનીના નેતૃત્વમાં તે ઘણું સારું રમ્યો હતો. ૨૦૦૭ અને ૨૦૦૮ અને તેના પછી તે જે રીતે બૅટિંગ કરતો હતો તે ખરેખર જબરદસ્ત હતી. ૨૦૧૧માં પણ તેણે પોતાની તકલીફોને ધ્યાન બહાર કરી પોતાનું બેસ્ટ આપ્યું હતું. મારા ખ્યાલથી દરેક પ્લેયરને પોતાના ફેવરિટ કૅપ્ટનની પસંદગી કરવાની છૂટ હોય છે. યુવરાજ ૧૬ વર્ષ ક્રિકેટ રમ્યો છે પણ મારા મતે ધોનીના નેતૃત્વમાં તે સૌથી સારું રમ્યો છે.’

૨૦૧૧માં જ્યારે ભારતે વર્લ્ડકપ જીત્યો હતો ત્યારે યુવરાજ સિંહને મેન ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને ભારતીય ક્રિકેટ ટીમને એ ટુર્નામેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીએ લીડ કરી હતી.

ઑક્ટોબરમાં આઇપીએલ રમાવાની આશિષ નેહરાને આશા

ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ પ્લેયર આશિષ નેહરાનું કહેવું છે કે આઇપીએલની આ સીઝનને ઑક્ટોબરમાં સારી રીતે રમાડી શકાય છે. આશિષ નેહરાએ આ વિશે કહ્યું કે ‘આઇપીએલ ઑગસ્ટ મહિનામાં ન રમાય તો સારું, કેમ કે વરસાદને કારણે ઘણી મૅચો રદ થઈ શકે એમ છે. જો આ ટુર્નામેન્ટ ઑક્ટોબર મહિનામાં રમાય તો એ નૉર્મલ રીતે રમવામાં આવશે અને એના સફળ થવાના ચાન્સ પણ ૧૦૦ ટકા રહેશે.’

નેહરા પહેલાં રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સ્ટીવન સ્મિથે પણ પોતાના વિચાર આ વિશે પ્રગટ કર્યા હતા. ઇંગ્લૅન્ડના જોસ બટલરે પણ આઇપીએલ વહેલી તકે રમાવા વિશે ઉત્સુકતા દેખાડી હતી.

ashish nehra yuvraj singh ms dhoni cricket news sports news