એન્જૉય કરવા જતાં ડબલ સેન્ચુરીની મોજ પણ માણવા મળી : યુવરાજ સિંહ

16 October, 2012 05:20 AM IST  | 

એન્જૉય કરવા જતાં ડબલ સેન્ચુરીની મોજ પણ માણવા મળી : યુવરાજ સિંહ



હૈદરાબાદ: કૅન્સરના રોગમાંથી હેમખેમ પાછા આવ્યા બાદ T20 વર્લ્ડ કપમાં સારું પફોર્ર્મ કર્યા પછી હવે યુવરાજ સિંહે ૧૫ નવેમ્બરે ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી ટેસ્ટસિરીઝની ટીમ માટે દાવો મજબૂત કર્યો છે. ગઈ કાલે તેણે દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન સામેની ચાર દિવસની સેમી ફાઇનલના બીજા દિવસે ડબલ સેન્ચુરી (૨૦૮ રન, ૨૪૧ બૉલ, ૩ સિક્સર, ૩૩ ફોર) ફટકારી હતી. ફસ્ર્ટ-ક્લાસ ક્રિકેટમાં આ તેની બીજી ડબલ સેન્ચુરી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં ૨૦૯ રન તેનો હાઇએસ્ટ સ્કોર છે.

યુવીએ ગઈ કાલની રમત પછી પત્રકારોને કહ્યું હતું કે ‘હું કાંઈ પણ સાબિત કરવા આ મૅચમાં રમવા નથી આવ્યો. મારો મુખ્ય ઉદ્દેશ એન્જૉય કરવાનો છે. હું ફન માટે જ આ મૅચ રમી રહ્યો છું. હું ૨૪૧ બૉલની લાંબી ઇનિંગ્સ રમી શક્યો એનો મને બેહદ આનંદ અને સંતોષ છે.’

ગઈ કાલે યુવરાજના ૨૦૮ રનની મદદથી નૉર્થ ઝોન પ્રથમ દાવમાં ૪૫૧ રનનું ટોટલ નોંધાવી શક્યું હતું. એની ઇનિંગ્સ પૂરી થયા પછી રમતના અંત સુધીમાં સેન્ટ્રલ ઝોનનો સ્કોર પાંચ વિકેટે ૧૪૬ રન હતો.

સૌરભ તિવારીની સેન્ચુરી

વિશાખાપટ્ટનમમાં ગઈ કાલે દુલીપ ટ્રોફીની બીજી સેમી ફાઇનલમાં ઈસ્ટ ઝોનનો પ્રથમ દાવ સૌરભ તિવારી (૧૪૫ રન, ૨૬૭ બૉલ, બે સિક્સર, સત્તર ફોર)ની સેન્ચુરીની મદદથી બનેલા ૨૬૭ રન પર પૂરો થયો હતો. અભિમન્યુ મિથુને ચાર અને સ્ટુઅર્ટ બિન્નીએ ત્રણ વિકેટ લીધી હતી. રમતના અંતે સાઉથ ઝોનના પાંચ વિકેટે ૧૩૪ રન હતા.