યુનુસ ને શેહઝાદની સદી બાદ સ્પિનરોને લીધે પાકિસ્તાનની જીત તરફ આગેકૂચ

26 October, 2014 06:15 AM IST  | 

યુનુસ ને શેહઝાદની સદી બાદ સ્પિનરોને લીધે પાકિસ્તાનની જીત તરફ આગેકૂચ



ઓપનર અહમદ શેહઝાદના ૧૩૧ તથા અનુભવી યુનુસ ખાનના અણનમ ૧૦૩ રનને લીધે પાકિસ્તાને ઑસ્ટ્રેલિયાને દુબઈમાં રમાતી પ્રથમ ટેસ્ટમાં ૪૩૮ રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ સ્પિનર ઝુલ્ફિકાર બાબર અને યાસીર શાહે ૫૯ રને ૪ વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાની હાલત કફોડી બનાવી દીધી છે. બે ટેસ્ટ-મૅચની સિરીઝ જીતવા માટે પાકિસ્તાનને આજે હવે માત્ર ૬ વિકેટની જરૂર છે. મૅચનો ગઈ કાલે ચોથો દિવસ પૂરો થયો ત્યારે ક્રિસ રૉજર્સ ૨૩ અને સ્મિથ ૩ રને ક્રીઝ પર હતો. ઑસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૭૯ રનની જરૂર છે.

જોકે ઑસ્ટ્રેલિયાએ ૪૪ રન તો વિનાવિકેટે બનાવી લીધા હતા, પરંતુ ૧૪મી ઓવરમાં ઝુલ્ફિકાર બાબરે બે વિકેટ ઝડપી હતી. યાસીર શાહે પણ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન માઇકલ ક્લાર્ક ઉપરાંત નૅથન લિઓનની વિકેટ લીધી હતી. પાકિસ્તાને બે વિકેટે ૨૮૬ રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. યુનુસ ખાને અહમદ શેહજાદ સાથે મળીને બીજી વિકેટ માટે ૧૬૮ રનની પાર્ટનરશિપ કરી હતી. યુનુસ ખાને પહેલી ઇનિંગ્સમાં પણ ૧૦૬ રન કર્યા હતા. પાકિસ્તાને પ્રથમ ઇનિંગ્સમાં કરેલા ૪૫૪ રનના જવાબમાં ઑસ્ટ્રેલિયા ૩૦૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. પરિણામે પાકિસ્તાનને ૧૦૩ રનની લીડ મળી હતી. બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારનારો યુનુસ ખાન સાતમો પાકિસ્તાની ખેલાડી બન્યો હતો. ૨૬મી સદીને લીધે યુનુસ ખાન પાકિસ્તાનનો સૌથી વધુ ટેસ્ટ-સેન્ચુરી કરનારો ખેલાડી બન્યો છે. અગાઉ આ રેકૉર્ડ ભૂતપૂર્વ કૅપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકના નામે હતો. ઇન્ઝમામે ૨૫ સદી ફટકારી હતી.