સરિતાદેવી પર ૧ વર્ષનો પ્રતિબંધ, પણ રિયો ઑલિમ્પિકમાં ભાગ લઈ શકશે

18 December, 2014 06:48 AM IST  | 

સરિતાદેવી પર ૧ વર્ષનો પ્રતિબંધ, પણ રિયો ઑલિમ્પિકમાં ભાગ લઈ શકશે


ઇન્ટરનૅશનલ બૉક્સિંગ અસોસિએશન (AIBA) દ્વારા ગઈ કાલે ભારતીય મહિલા બૉક્સર સરિતાદેવી પર એક વર્ષનો પ્રતિબંધ અને ૧૦૦૦ સ્વિસ ફ્રેન્સનો દંડ કરવામાં આવ્યો હતો, કારણ કે ૨૦૧૪ના ઇંચિયોન એશિયન ગેમ્સમાં મેડલ-વિતરણ સમારંભ દરમ્યાન એણે બ્રૉન્ઝ મેડલ લેવાની ના પાડી હતી. જોકે આ પ્રતિબંધને કારણે ઘણા લાંબા સમયથી સરિતાદેવીના ભવિષ્યને લઈને થતી અનિશ્ચિતતાઓ પૂરી થઈ ગઈ છે. તેના વિદેશી કોચ આઇ. ફર્નાન્ડિસ પર પણ બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગઈ કાલે બૉક્સિંગ ઇન્ડિયાએ AIBAના નિર્ણયની જાણકારી આપી હતી. સરિતાએ ઇંચિયોનમાં સાઉથ કોરિયાની જિના પાર્ક સામે મળેલી વિવાદાસ્પદ હારને કારણે બ્રૉન્ઝ મેડલ લેવાની ના પાડી હતી, જેના કારણે મોટો વિવાદ થયો હતો. સરિતા ૧ ઑક્ટોબર, ૨૦૧૪થી ઑક્ટોબર ૨૦૧૫ સુધી કોઈ નૅશનલ કે ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લઈ શકે. જોકે એના કારણે ૨૦૧૬માં થનારા રિયો ઑલિમ્પિકમાં મણિપુરની આ ૨૯ વર્ષની બૉક્સર ભાગ લઈ શકશે.

ભારતના સ્ર્પોટસ મિનિસ્ટર સર્વાનંદ સોનોવાલ અને સચિન તેન્ડુલકર સહિત ઘણા લોકોએ સરિતાને સમર્થન આપતાં તેની તરફ નરમ વલણ બતાવવા AIBAને કહ્યું હતું. સચિન તેન્ડુલકરે તો AIBAને પત્ર પણ લખ્યો હતો. સચિને કહ્યું હતું કે તેની કરીઅર બચી ગઈ. તેણે એક નાની ભૂલ કરી હતી. સરિતાદેવીએ કહ્યું હતું કે હું ઘણી રાહત અનુભવું છું. સમગ્ર બૉક્સિંગ આલમ અને બૉક્સિંગ ઇન્ડિયાએ મને આ વિકટ સમયે આપેલા સાથ બદલ આભાર માનું છુ. હવે હું ઑલિમ્પિકમાં ભાગ લઈ શકીશ અને દેશની શાન વધારવા માટે વધુ મહેનત કરીશ.