ભારત-પાક વચ્ચેની સિરીઝ જોવા ઇચ્છુક, પણ અમારા અધિકારક્ષેત્રની બહાર: ICC

01 December, 2020 03:13 PM IST  |  Mumbai | IANS

ભારત-પાક વચ્ચેની સિરીઝ જોવા ઇચ્છુક, પણ અમારા અધિકારક્ષેત્રની બહાર: ICC

પ્રતીકાત્મક તસવીર

ઘણા વખતથી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ નથી રમાઈ રહી એવામાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચૅરમૅન ગ્રેગોર જૉન બાર્ક્લેનું કહેવું છે કે આઇસીસી ભારત-પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય સિરીઝ યોજવાની ઇચ્છા રાખે છે, પણ આ સંદર્ભે કોઈ સચોટ વાત કહી શકાય એમ નથી.
ઉલ્લેખનીય છે કે બન્ને દેશો વચ્ચેના રાજનૈતિક સંબંધોને લીધે છેલ્લાં કેટલાંક વર્ષથી ક્રિકેટ નથી રમાયું. ભારત-પાકિસ્તાન છેલ્લી ટેસ્ટ સિરીઝ ૧૩ વર્ષ પહેલાં રમ્યાં હતાં. પાકિસ્તાને છેલ્લે ૨૦૦૭માં ભારતનો પ્રવાસ કર્યો હતો જ્યારે ભારતે છેલ્લે ૧૪ વર્ષ પહેલાં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. આ બન્ને દેશો માત્ર આઇસીસી ઇવેન્ટમાં જ આમને-સામને રમે છે.
આઇસીસીના ચૅરમૅન બાક્લેનું કહેવું છે કે ‘મને સૌથી વધારે ખુશી ત્યારે થશે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે પહેલાંની જેમ સંબંધ સારા થશે. મૂળ વાત એ છે કે બન્ને દેશો વચ્ચે જે રાજનૈતિક સંબંધ છે એ અહીં અસર કરી રહ્યા છે અને એ મારા અધિકારક્ષેત્ર બહારની વાત છે. આઇસીસી તરીકે અમે માત્ર આ બન્ને દેશને એકબીજા સામે પોતાના દેશમાં અને બહાર નિયમિત ક્રિકેટ રમવા માટે શક્ય એટલી મદદ કરી શકીએ છીએ. મને નથી લાગતું કે આથી વધારે અમે કંઈ કરી શકીએ. અમે જે સ્તરે જઈને કામ કરીએ છીએ એનાથી આગળ જઈને અમે આટલી મદદ કરી શકીએ છીએ. બાકી ક્રિકેટના દૃષ્ટિકોણથી વાત કરું તો આ બન્ને દેશને એકબીજા સામે ફરીથી નિયમિતરૂપે રમતી કરવાનું અમને ગમશે. આઇસીસી આ વિશે પ્રત્યેક પ્રકારની મદદ કરવા અને સુવિધા આપવા તૈયાર છે.’

international cricket council cricket news pakistan sports news