નેધરલૅન્ડ્સે ૨૦૧૦ની ફાઇનલનો કચકચાવીને બદલો લીધો : ચૅમ્પિયન સ્પેનને ૫-૧થી હરાવ્યું

15 June, 2014 05:51 AM IST  | 

નેધરલૅન્ડ્સે ૨૦૧૦ની ફાઇનલનો કચકચાવીને બદલો લીધો : ચૅમ્પિયન સ્પેનને ૫-૧થી હરાવ્યું




સાલ્વાડોર: ફૂટબૉલ વર્લ્ડ કપના બીજા દિવસે ચૅમ્પિયન સ્પેન નામોશીભરી રીતે હારી જતાં મોટો અપસેટ સર્જાયો હતો. નેધરલૅન્ડ્સે વર્લ્ડ ચૅમ્પિયન અને બે વખતના યુરોપિયન ચૅમ્પિયન સ્પેનને ૫-૧થી કારમો પરાજય આપ્યો હતો. એ સાથે નેધરલૅન્ડ્સે ૨૦૧૦માં સાઉથ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી ૦-૧ની હારનો બદલો સ્પેનને ૫-૧થી હરાવીને કચકચાવીને લીધો હતો.

રૉબિન-રૉબેનનો રોફ

નેધરલૅન્ડ્સની યુવા ટીમ સામે ચૅમ્પિયન સ્પેન આસાનીથી જીતી જશે એવું લગી રહ્યું હતું. પહેલા હાફમાં પણ સ્પેનનો દબદબો રહ્યો હતો. ૧૨મી મિનિટમાં ગોલ કરવાનો મોકો સ્પેનના આન્ડ્રેસ ઇનિએસ્ટાએ ગુમાવ્યો હતો, પણ ૨૭મી મિનિટમાં પેનલ્ટી મળતાં સ્પેનના ઝૅબિયર અલોસ્નોએ બૉલને ગોલ-પોસ્ટમાં મોકલી દઈને ટીમને ૧-૦થી લીડ અપાવી હતી. સ્પેને આ લીડ પહેલા હાફની છેલ્લી મિનિટ સુધી જાળવી રાખી હતી, પણ ૪૪મી મિનિટે નેધરલૅન્ડ્સના રૉબિન વૅન પર્સીએ ગોલ કરીને બરોબરી કરાવી આપી હતી. પહેલા હાફમાં ૧-૧ની બરોબરી બાદ બીજા હાફમાં નેધરલૅન્ડ્સની ટીમ અલગ અંદાજમાં રમવા ઊતરી હતી. ૫૩મી મિનિટે આર્જેન રૉબેન અને ૬૫મી મિનિટે સ્ટીફન ડી વિþજના ગોલ સાથે નેધરલૅન્ડ્સે ૩-૧ની લીડ લેતાં સ્પેનની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. રૉબિન અને રૉબેન ૭૨ અને ૮૦ મિનિટે ફરી ત્રાટકતાં ટીમે અકલ્પનીય ૫-૧ની લીડ સાથે વિજય મેળવ્યો હતો. રૉબિન વૅન પર્સી મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

૧૨ વર્ષ બાદ ચૅમ્પિયન માટે નામોશી

૨૦૦૨માં ચૅમ્પિયન ફ્રાન્સ એની પહેલી જ મૅચ સેનેગલ સામે ૦-૧થી હારી ગયું હતું. હવે ૧૨ વર્ષ બાદ ફરી ચૅમ્પિયન ટીમને પહેલી જ મૅચમાં પરાજયની નામોશી જોવા મળી છે. જોકે ફ્રાન્સ ૦-૧થી હાર્યું હતું, જ્યારે સ્પેને ૧-૫થી કારમી હાર જોવી પડી છે.

૧૯૬૩ બાદ સ્પેનનો કારમો પરાજય

સ્પેન સામે હરીફ ટીમે પાંચ કે વધુ ગોલ કર્યા હોય એવું ૫૧ વર્ષ પછી બન્યું છે. છેલ્લે તેઓ ૧૯૬૩માં મૅડ્રિડમાં સ્કૉટલૅન્ડ સામે ૨-૬થી હારી ગયા હતા.

૨૦૧૦માં હાર બાદ ચૅમ્પિયન

કારમી હાર છતાં સ્પેનની ટીમના ચાહકો સાવ હિંમત નથી હાર્યા. ૨૦૧૦માં સાઉથ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડ કપમાં ટીમ ચૅમ્પિયન બની હતી ત્યારે પણ એ પહેલી મૅચમાં સ્વિટ્ઝરલૅન્ડ સામે ૦-૧થી હારી ગઈ હતી, પણ ત્યાર બાદ કમબૅક કરીને ચૅમ્પિયન બની હતી. સ્પેનના ચાહકોને આ વખતે પણ એવા જ કમાલની આશા છે.

ઊંટની ભવિષ્યવાણી સાચી પડી

પૉલ ઑક્ટોપસના અનુગામીઓમાંનું એક આરબ અમીરાતનું શાહીદ નામનું ઊંટ બ્રાઝિલ પછી નેધરલૅન્ડ્સની જીતની સચોટ આગાહી કરીને છવાઈ ગયું છે. હવે શાહીનને લાગે છે કે ઇટલી અને ઇંગ્લૅન્ડની મૅચમાં ઇટલી જીતશે.

ચિલીએ ઑસ્ટ્રેલિયાને હરાવ્યું

ગ્રુપ ગ્ની પહેલી મૅચમાં નેધરલૅન્ડ્સે ચૅમ્પિયન સ્પેનને હરાવીને મોટા ઊલટફેર કર્યા બાદ એ જ ગ્રુપની અન્ય મૅચમાં ચિલીએ ઑસ્ટ્રેલિયાને ૩-૧થી હરાવ્યું હતું.