World Cup 2019:3 ગુજરાતીઓ પર છે ટીમ ઈન્ડિયાને જીતાડવાની જવાબદારી

15 April, 2019 03:43 PM IST  | 

World Cup 2019:3 ગુજરાતીઓ પર છે ટીમ ઈન્ડિયાને જીતાડવાની જવાબદારી

બુમરાહ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા

ICC ક્રિકેટ વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. BCCIએ ટ્વિટ કરીને 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. વિરાટ કોહલીની કપ્તાનીમાં પહેલીવાર મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડકપ રમશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતવા માટેની હોટફેવરિટ ટીમોમાંની એક છે. ત્યારે ટીમ ઈન્ડિયાને આ ખિતાબ જીતાડવાની જવાબદારી 3 ગુજરાતી ખેલાડીઓ પર પણ છે.

વર્લ્ડ કપ માટેની ટીમમાં હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ આ ત્રણ ગુજરાતીઓને સ્થાન મળ્યું છે. ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે. તો જસપ્રીત બુમરાહનું સિલેક્શન પાક્કું જ હતું. આ વખતે ક્રિકેટ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં રમાઈ રહ્યો છે ત્યારે આ ત્રણેય ખેલાડીઓની ભૂમિકા ભારતને જીત અપાવવા માટે મહત્વની રહેશે

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. ઈંગ્લેન્ડની પીચ ફાસ્ટ બોલર્સ માટે મદદગાર રહેવાની છે, ત્યારે હાર્દિક પંડ્યા ટીમમાં બેટિંગની સાથે સાથે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. લોઅર મિડલ ઓર્ડરમાં હાર્દિક પંડ્યાની આક્રમક બેટિંગ અને ફાસ્ટ બોલિંગ ટીમ ઈન્ડિયાને જીત અપાવી શકે છે.

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ હાલ ટીમ ઈન્ડિયાના સ્ટ્રાઈક ફાસ્ટ બોલર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટની જવાબદારી બુમરાહ પર છે. ત્યારે ઈંગ્લેન્ડમાં બુમરાહનું ફોર્મ પણ નિર્ણાયક રહેશે. જો બુમરાહ બોલિંગમાં સારું પ્રદર્શન કરશે, તો ભારતની જીત આસાન બનશે. એમાંય ઈંગ્લેન્ડની ગ્રીન પિચ પર ટીમ ઈન્ડિયાને બુમરાહ પાસેથી વધુ આશા છે.

આ પણ વાંચોઃ World cup 2019: ટીમ જાહેર, રાયડુ-પંત બહાર, શંકર ઈન

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજાને પણ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન અપાયું છે. રવિન્દ્ર જાડેજા કુલદીપ અને ચહલની સાથે સાથે સ્પિન બોલિંગમાં મદદગાર સાબિત થશે. તો લોઅર ઓર્ડરમાં જાડેજા એઝ અ બેટ્સમેન પણ મહત્વના નિવડશે. સાથે જ જાડેજાની ફિલ્ડિંગ પણ ટીમ ઈન્ડિયાને જીત અપાવી શકે છે.

cricket news team india sports news ravindra jadeja jasprit bumrah hardik pandya