કોર્ટે દોષમુક્ત કર્યો હોવા છતાં શ્રીસાન્ત સામેનો પ્રતિબંધ નહીં હટાવે ક્રિકેટ બોર્ડ

19 April, 2017 07:04 AM IST  | 

કોર્ટે દોષમુક્ત કર્યો હોવા છતાં શ્રીસાન્ત સામેનો પ્રતિબંધ નહીં હટાવે ક્રિકેટ બોર્ડ


ક્રિકેટર શ્રીસાન્તે પોતાની સામે લગાવાયેલા પ્રતિબંધ સામે કેરળ હાઈ કોર્ટમાં કરેલી અરજી વિશે ભારતીય ક્રિકેટ બોર્ડે જવાબ આપતાં કહ્યું હતું કે તેના પર મૂકવામાં આવેલો આજીવન પ્રતિબંધ નહીં હટાવવામાં આવે. શ્રીસાન્તે કરેલી અરજીમાં કહ્યું હતું કે ‘જ્યારે દિલ્હીની સેશન કોર્ટે ૨૦૧૫ની ૨૫ જુલાઈએ મારા પર લગાવાયેલા સ્પૉટ-ફિક્સિંગના તમામ આરોપોને ફગાવી દીધા હતા તો શા માટે ક્રિકેટ બોર્ડે લગાવેલો પ્રતિબંધ હજી ચાલુ છે. આ પ્રકારનો પ્રતિબંધ સંવિધાનિક અધિકારોનું ઉલ્લંઘન છે.’

ક્રિકેટ બોર્ડે શ્રીસાન્તની અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે ભલે સેશન કોર્ટે તેને નિદોર્ષ જાહેર કર્યો હોય, પણ કોર્ટના ચુકાદાનો બોર્ડની આંતરિક અનુશાસનાત્મક કમિટીના નિર્ણય પર કોઈ પ્રભાવ નથી પડતો. બોર્ડની આ કમિટીએ શ્રીસાન્ત પર ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત અને માન્યતાપ્રાપ્ત તમામ ટુર્નામેન્ટ રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે તેને સ્પૉટ-ફિક્સિંગના આરોપમાં દોષમુક્ત કર્યો છે તો ક્રિકેટ બોર્ડની કમિટીએ તેને મૅચ ફિક્સિંગ, ભ્રષ્ટાચાર, સટ્ટાબાજી અને આંતરિક અનુશાસનાત્મક કમિટી દ્વારા બનાવવામાં આવેલા નિયમોના ઉલ્લંઘનનો દોષી ગણાવ્યો હતો.

બોર્ડે કોર્ટને જણાવ્યું હતું કે ‘શ્રીસાન્તે પોતાની અરજીમાં પૂરી વાત નથી કરી કે દિલ્હી પોલીસે સેશન કોર્ટના નિર્ણય સામે દિલ્હી હાઈ કોર્ટમાં અપીલ કરી છે એ મામલે હજી કેસ ચાલી રહ્યો છે. IPL ૨૦૧૩માં સ્પૉટ-ફિક્સિંગમાં સંડોવણી બાદ બોર્ડે શ્રીસાન્ત પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. થોડાં સપ્તાહ પહેલાં જ શ્રીસાન્તે ફરીથી ક્રિકેટ રમવાની મંજૂરી માગી હતી. તે કેરળની એક ક્લબ માટે ક્રિકેટ રમવા માગતો હતો. ત્યાર બાદ કોઈ વિદેશી ક્લબ માટે ક્રિકેટ રમવાની પણ તેની યોજના હતી, પરંતુ ક્રિકેટ બોર્ડે તેની વિનંતીને ફગાવી દીધી હતી.