મુંબઈને ફાઇનલમાં એન્ટ્રી કરતાં અટકાવ્યું બૅન્ગલોરે

12 March, 2025 01:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં બૅન્ગલોરના ૨૦૦ રનના ટાર્ગેટ સામે ૯ વિકેટે ૧૮૮ રન બનાવી ૧૧ રને હાર્યું મુંબઈ : ‍સળંગ પાંચ હાર બાદ અંતિમ મૅચ જીતીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન બૅન્ગલોરે અભિયાનનો અંત કર્યો, બ્રેબર્ન સ્ટેડિયમમાં પહેલી વાર હારી મુંબઈની ટીમ

બૅન્ગલોરની કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ૩૭ બૉલમાં આક્રમક ૬ ફોર અને ૩ સિક્સરની મદદથી ૫૩ રન ફટકાર્યા હતા.

મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચ રમાઈ હતી. બૅન્ગલોરે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૨૦૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પણ મુંબઈની ટીમ ૯ વિકેટે ૧૮૮ રન બનાવી શકી હતી. ૧૧ રને મળેલી આ હાર સાથે મુંબઈની ટીમ ફાઇનલમાં એન્ટ્રી કરતાં ચૂકી ગઈ હતી. બ્રેબર્ન સ્ટેડિયમમાં મુંબઈને હરાવીને ડિફેન્ડિંગ ચૅમ્પિયને સળંગ પાંચ હાર બાદ પહેલી વાર જીત મેળવીને અભિયાનનો અંત કર્યો હતો.

ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી બૅન્ગલોરની ટીમે કૅપ્ટન સ્મૃતિ માન્ધના (૩૭ બૉલમાં ૫૩ રન) અને એલિસ પેરી (૩૮ બૉલમાં ૪૯ રન અણનમ)ની બીજી વિકેટ માટેની ૫૯ રનની પાર્ટનરશિપની મદદથી ત્રણ વિકેટના નુકસાન સાથે ૧૯૯ રનનો સ્કોર ખડકી દીધો હતો.

૯૦૦૦ રનની T20 સિદ્ધિ મેળવનાર અનુભવી ઑલરાઉન્ડર એલિસ પેરીએ વિકેટકીપર-બૅટર રિચા ઘોષ (બાવીસ બૉલમાં ૩૬ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૫૩ રન અને જ્યૉર્જિયા વેરહેમ (૧૦ બૉલમાં ૩૧ રન અણનમ) સાથે ચોથી વિકેટ માટે ૪૬ રનની ભાગીદારી કરીને અંતિમ બૉલ સુધી લડત આપી હતી. મુંબઈ તરફથી હેલી મૅથ્યુઝ (૩૭ રનમાં બે વિકેટ) અને મેલી કૅર (૪૭ રનમાં એક વિકેટ)ને જ વિકેટ લેવામાં સફળતા મળી હતી.

ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી મુંબઈની ટીમે ૫.૧ ઓવરમાં ૩૮ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી સીઝનની હાઇએસ્ટ રન-સ્કોરર નેટ સાયવર-બ્રન્ટે ત્રીજી વિકેટ માટે કૅપ્ટન હરમનપ્રીત કૌર (૧૮ બૉલમાં ૨૦ રન) સાથે ૪૦ રન અને ચોથી વિકેટ માટે ઑલરાઉન્ડર અમનજૌત કૌર (૧૫ બૉલમાં ૧૭ રન) સાથે ૫૧ રનની પાર્ટનરશિપ કરી જીતની આશા જીવંત રાખી હતી, પરંતુ સ્નેહ રાણા (૨૬ રનમાં ત્રણ વિકેટ), કિમ ગાર્થ (૩૩ રનમાં બે વિકેટ) અને એલિસ પેરી (૫૩ રનમાં બે વિકેટ) ચુસ્ત બોલિંગને કારણે હોમ ટીમ મુંબઈ ટાર્ગેટ ચેઝ કરી શકી નહોતી.

WPL 2025નું પૉઇન્ટ્સ-ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

નેટ રનરેટ

દિલ્હી

+૦.૩૯૬

૧૦

મુંબઈ

૩ 

+૦.૧૯૨ 

૧૦

ગુજરાત

+૦.૨૨૮

બૅન્ગલોર

-૦.૧૯૬

યુપી

-0.૬૨૪

416
આટલા રન કર્યા મુંબઈની  નેટ સાયવર-બ્રન્ટે આ સીઝનમાં, એક સીઝનમાં પહેલી વાર કોઈ પ્લેયરે ૪૦૦નો આંકડો પાર કર્યો.

સળંગ ત્રીજી વાર નંબર વન રહી દિલ્હી કૅપિટલ્સ 
મુંબઈ ગઈ કાલની મૅચ ન જીતી શકતાં એ પૉઇન્ટ્સ-ટેબલમાં બીજા ક્રમે જ રહ્યું છે. ૧૩ માર્ચે એની ટક્કર એલિમિનેટર ત્રીજા ક્રમે રહેલી ગુજરાત જાયન્ટ્સ સાથે થશે. દિલ્હી કૅપિટલ્સની ટીમે સળંગ ત્રીજી સીઝનમાં પહેલા ક્રમે રહીને ૧૫ માર્ચની ફાઇનલમાં એન્ટ્રી કરી છે. એલિમિનેટર મૅચ જીતનારી ટીમ દિલ્હી સામે ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઊતરશે.

womens premier league mumbai mumbai indians royal challengers bangalore cricket news sports news sports